અમદાવાદમાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળસંગ્રહ ક્ષમતા 36 લાખ ઘનફૂટ વધારાઈ

| Updated: June 23, 2022 3:23 pm

અમદાવાદમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો પાંચમો તબક્કો સફળતાપૂર્વક પૂરો થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 19 માર્ચ 2022ના રોજ ગાંધીનગરના કોલવડા ગામેથી પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા અને જમીનમાં પાણીનું સ્તર ઊંચે લાવવા માટે સુજલાન સુફલામ જળયોજનાનું અભિયાન છેડવામાં આવ્યું છે.

તેના લીધે સતત પાંચમાં વર્ષે સુજલામ-સુફલામ જળ અભિયાનને જ્વલંત સફળતા મળી છે. તેના લીધે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 24,418 લાખ ઘનમીટરનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે 36.77 લાખ ઘનમીટર જળસંગ્રહ ક્ષમતા વધી છે.

અમદાવાદ જિલ્લામાં આ અભિયાન હેઠળ 2018માં 262 કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 392 લાખ ઘનફૂટનો વધારો કરવામાં આવ્યો હતો. 2019માં 237 કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 384 લાખ ઘનફૂટનો વધારો કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં 2020માં લોકડાઉનની કપરી સ્થિતિમાં 163 કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 222 લાખ ઘનફૂટનો વધારો કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં 415 કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 255 લાખ ઘનફૂટનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2022માં અત્યાર સુધી 484 કામો દ્વારા જળસંગ્રહ શક્તિમાં 1299 લાખ ઘનફૂટનો વધારો કરવામાં આવ્યો છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં કુલ 2,551 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.

સમગ્ર જિલ્લામાં જળસંપત્તિ વિભાગ દ્વારા 185 કામ હાથ ધરવામાં આવ્યા છે. અન્ય વિભાગના 309 કામ થઈને કુલ 494 કામ પૂરા કરીને 100 ટકા લક્ષ્યાંક પૂરો કરાયો છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ જળયોજના હેઠળ પાંચમા તબક્કાની કામગીરી દ્વારા 62 લાખ ઘનફૂટ જળસંગ્રહ શક્તિનો વધારો થયો છે. આ કામ સંપૂર્ણપણે લોકભાગીદારીથી પૂરુ કરવામાં આવ્યું છે.

ગ્રામીણ મજૂરો અને ગરીબ કુટુંબોને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં ચેકડેમ, તળાવ ઊંડા અભિયાન કરવાના સુજલામ સુફલામના જળ અભિયાનના કામમાં મનરેગાના કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં એક લાખથી પણ વધુ માનવદિનની રોજગારીનું પણ નિર્માણ થયું છે.

અમદાવાદ જિલ્લામાં આ અભિયાન હેઠળ હાથ ધરાયેલા મુખ્ય કામોમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમ ડિસલ્ટિંગ, જળાશય ડિસલ્ટિંગ, ચેકડેમ રિપેરિંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વન તળાવ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, નદી, વોંકળા, કાંસ તથા તળાવની સાફસફાઈ, માટીપાળા, ચેકવોલ, નદીઓ પુર્નજીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઈ, ટાંકી, સમ્પ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આસપાસની સફાઈ, તળાવોના પાળા મજબૂત કરવાની વગેરે કામગીરીનો સમાવેશ થાય છે.

Your email address will not be published.