અમદાવાદમાં દિવસે દિવસે ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ પાણીજન્ય રોગચાળાએ માજા મુકી છે. એપ્રિલમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત ઉછાળો નોંધાયો છે. શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બહેરામપુરામાં એક વિસ્તારમાં કમળાના કેસો સતત વધતા જઈ રહ્યા છે. વધી રહેલા કેસને લઈ તંત્ર હરકતમાં આવી ગયું છે. જો કે એપ્રિલ મહિનામાં તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલમાં 205 જેટલા અનફીટ જાહેર થયા છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં સેમ્પલ અનફીટ નોંધાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકી જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિના કરતા ચાલુ એપ્રિલ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ખાસ કરીને ઝાડા ઉલ્ટી અને કમળાના કેસો વધુ નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તાર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે.