અમદાવાદમાં વરસાદી સિઝન પહેલા શહેરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે.જુન મહિનામાં જ 700થી વધારે કેસ નોંધાયા છે. પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી સહિતના રોગો વધ્યા છે.
શહેરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ જૂન મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 738, કમળાના 252 અને ટાઇફોઇડના 209 કેસો નોંધાયા છે. મચ્છર જન્ય રોગોમાં મેલેરિયાના 77 કેસો, ટાઇફોઇડના 27 અને ચિકનગુનિયાના 10 કેસો નોંધાયા છે. જ્યારે ઝેરી મેલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. પાણીજન્ય રોગોમાં કોઈ એક વિસ્તારમાં નોંધાયા નથી. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી જૂન મહિનામાં પાણીના 2598 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 39 સેમ્પલ અનફીટ જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થાય ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.