નબળા વૈશ્વિક સંકેતોના લીધે શેરબજારમાં કડાકો બોલ્યોઃ 1000 પોઇન્ટ ડાઉન

| Updated: May 6, 2022 6:46 pm

અમદાવાદઃ ભારતીય રિઝર્વ બેન્ક પછી ફેડરલ રિઝર્વએ વ્યાજદરમાં વધારો કરતા ગઈકાલે અમેરિકન બજારમાં 1,063 પોઇન્ટનો કડાકો બોલ્યો હતો. તેના પછી ભારતીય બજાર પણ આજે 1000 પોઇન્ટથી વધુ તૂટ્યુ છે. એશિયાઈ બજારોમાં હેંગસેંગ પણ 700 પોઇન્ટ એટલે ઘટીને 3.35 ટકા ઘટ્યો છે.

નબળા વૈશ્વિક સંકેતોના પગલે બીએસઇ સેન્સેકસે દિવસનો પ્રારંભ જ ઘટાડા સાથે કર્યો હતો. બીએસઇ સેન્સેક્સ દિવસના પ્રારંભમાં જ 1.32 ટકા એટલે કે 54.966.05 પોઇન્ટ અને એનએસઇ નિફ્ટી 231 પોઇન્ટ એટલે કે 1.31 ટકાના ઘટાડા સાથે ખૂલ્યો હતો.

બીએસઇ સેન્સેક્સ ગઇકાલને બંધ 55,702.03ની સામે આજે 54,928.29 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો. નીચામાં તેણે 54,586.75ની સપાટી બનાવી હતી. એટલે કે સેન્સેક્સ એક સમયે 1,116 પોઇન્ટ જેટલો ઘટ્યો હતો. જ્યારે આ લખાય છે ત્યારે સેન્સેક્સ 900 પોઇન્ટ જેટલો ડાઉન છે. બીએસઇના સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેર ઘટ્યા છે. ફક્ત એરટેલ અને આઇટીસી જ વધ્યા છે.

આ પહેલા બુધવારે પણ બજાર તૂટ્યુ હતુ. તે દિવસે રોકાણકારોએ એક જ દિવસમાં 6.27 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. તે વખતે દિવસનો પ્રારંભ સામાન્ય વધારા સાથે થયો હતો. પણ રિઝર્વ બેન્કની અચાનક બેઠક અને રેપોરેટમાં થયેલા વધારાના પગલે વ્યાજદરમાં 40 બેસિસ પોઇન્ટના વધારાનો નિર્ણય લેવામાં આવતા બજારમાં અચાનક ઉથલપાથલ થઈ હતી અને સેન્સેક્સના ત્રીસેય શેર ગબડ્યા હતા તથા ઘટીને બંધ આવ્યા હતા. સેન્સેક્સ પણ 1,306 પોઇન્ટ એટલે કે 2.29 ટકા ઘટીને 55,669 પર બંધ આવ્યો હતો.

આમ શેરબજારે એક જ અઠવાડિયામાં બે દિવસ હજાર પોઇન્ટ જેટલો કડાકો બોલાવતા રોકાણકારોના લગભગ બાર લાખ કરોડની રકમ સ્વાહા થઈ ગઈ છે. ચાલુ વર્ષે જો રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નહી આવ્યો અને પેટ્રોલ-ડીઝલના ભાવને બ્રેક નહી વાગી તો રોકાણકારોને વધુ મોટા ઝાટકા વાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજદરમાં 0.40 બેસિસ પોઇન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે. જ્યારે યુએસ ફેડ રિઝર્વએ અડધા ટકાનો સીધો વધારો કર્યો છે. આમ વિશ્વના વિવિધ અર્થતંત્રોમાં હવે વ્યાજદરવૃદ્ધિની સાઇકલ શરૂ થઈ ગઈ છે.

Your email address will not be published.