ગુજરાતભરના પાન પાર્લર ઉપર તોલમાપ વિભાગના દરોડા, 2.50 લાખનો દંડ વસુલાયો

| Updated: January 11, 2022 8:18 pm

રાજ્યના પાન પાર્લર સહિતના એકમો પર તોલમાપ વિભાગ દ્રારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડામાં તોલમાપ વિભાગે તોલમાપ કાયદાના નિયમોનાં ભંગ બદલ આશરે 85 લોકો સામે કાર્યવાહી કરીને 2.50 લાખથી વધુ રકમનો દંડ વસુલ કર્યો હતો. મોટાભાગે વેપારીઓને 500થી માંડીને 29 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવ્યો હતો.

વિગતો એવી છે કે ગુજરાતમાં દાણચોરીથી પાન પાર્લરમાં સીગારેટ / ઇમ્પોર્ટેડ સીગારેટ ઉપર ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વાસ્થ્યને લગતી યોગ્ય ચેતવણી વગર તેમજ એમ. આર. પી. કરતા વધુ ભાવમાં વેચવામાં આવતી સીગારેટ તથા તમાકુ અને તેની પ્રોડકટ માટે મળેલ ફરિયાદોને ધ્યાને લઇને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલ, અને રાજય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની સુચના મુજબ આજ રોજ રાજયભરમાં દરોડાની કામગીરી હાથ ધરાઇ હતી.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સચિવના માર્ગદર્શન હેઠળ કાનૂનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, નિયંત્રક દ્વારા પ્રથમ વખત તોલમાપ કાયદા નિયમોનાં ભંગ કરનાર સામે ઓચિંતી તપાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં સમગ્ર રાજયમાં દરોડા પાડી આશરે 85 જેટલા પાન પાર્લર તથા તમાકુ પ્રોડકટના હોલસેલર ઉપર પેકેટ ઉપર જરૂરી નિર્દેશ ન કરવા, એમ.આર.પી કરતા વધુ ભાવ લેવા, એમ.આર.પી. ઉપર ચેકચાક કરી વેચાણ કરતા તેમજ અન્ય નિયમોનાં ઉલ્લંઘન બદલ કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. દંડ પેટે 2.50 લાખથી વધુ રકમ વસુલ કરવામાં આવી છે.

Your email address will not be published.