ગુજરાતમાં ‘બાપુ’ના હુલામણા નામે જાણીતા શંકરસિંહ વાઘેલા હંમેશા આશ્ચર્ય આપવા માટે જાણીતા છે. 21 જુલાઈ 1940ના દિવસે ગાંધીનગર જીલ્લાના વાસણ ગામે જન્મેલા શંકરસિંહ વાઘેલાનો આજે 81મો જન્મદિવસ છે અને આ દિવસે તેમણે રાજનીતિમાંથી કાયમી નિવૃત્તિના સંકેત આપ્યા છે. પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરનારા બાપુ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ પ્રધાન રહી ચુક્યા છે. બાપુએ પોતાના જન્મદિને વાઇબ્સ ઓફ ઇન્ડીયા સાથે ગુજરાતની આગામી રાજનીતિ વિશે વાત કરી હતી.
બાપુએ સૌથી પહેલાં તો દાવો કર્યો કે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો રકાસ થશે. તેમણે કહ્યું કે માત્ર ગુજરાતમાં નહીં, ઉતરપ્રદેશ અને બીજા રાજ્યોમાં પણ ભાજપનો પરાજય થશે. તેમના માનવા પ્રમાણે સામે કોઇ હોય કે ન હોય એટલે કે વિરોધ પક્ષની ભુમિકામાં કોઇ સક્ષમ હોય કે નહીં, પણ જનતા ભાજપની સાથે નહી રહે. રુપિયા ખર્ચશે તો પણ તેમના તરફી પરિણામ નહી આવે. તેમણે કહ્યું કે વિરોધપક્ષની મર્યાદા છે કે તેઓ ભાજપને હજી ઓળખતા નથી, અંદરોઅંદરની રાજનીતિમાંથી બહાર નથી આવતા.
શંકરસિંહ વાઘેલાનું માનવું છે કે લોકો કોઇ વ્યકિત નહીં, પણ પક્ષને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. આવો વર્ગ 75% છે. મુખ્યમંત્રીના દીકરા હોય તો એ ચૂંટણી જીતી જાય એવું અપવાદરૂપ કિસ્સામાં જ હોય છે બાકી મતદાન પક્ષને ધ્યાને રાખી થતું હોય છે. ગુજરાતની રાજનીતિમાં આપ, ટીએમસી, બીએસપી, સપા જેવા પક્ષો જગ્યા બનાવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ વિષયે બાપુ નું માનવુ છે કે રાજનીતિમાં રાતોરાત કોઇ બ્રાન્ડ બનતું નથી, રુપિયા-નામ-સમય અને સાથે બ્રાન્ડની જરુર પડે છે. તેમણે કહ્યું હતું કે રસાકસીતો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જામશે. કોંગ્રેસે મોંઘવારી અને કોરોના જેવા મુદ્દે આક્રમક બનવાની જરૂર છે, કારણકે ભારતીય જનતા પાર્ટી ખાલી મુસ્લીમ બ્રાન્ડ ડેવલપ કરે છે, એટલે લોકો એ તરફ ઢળી પડે છે.
જોકે, ઘણા સમયથી પ્રત્યક્ષ રાજનીતિથી અળગા રહેતા બાપુએ વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે હું સીએમના ચહેરાના ચક્કરમાંથી નીકળી ગયો છું, પણ કોંગ્રેસ કહેશે કે સરકાર લાવી આપો, તો 2022માં અથવા તે પહેલા ગુજરાત વિધાનસભામાં ભાજપની બહુમતી નહીં હોય….સાથે જ શંકરસિંહ બાપુ એમ પણ કહે છે કે ગુજરાતમાં ચૂંટણી સમય કરતાં વહેલી આવી શકે છે.
પાટીદાર ફેક્ટરને લઇને તેઓ કહે છે કે તે કોંગ્રેસના લાભમાં છે. કોંગ્રેસ સાથેના સંપર્ક બાબતે તેઓ કહે છે સ્થાનિક નેતાઓના સંપર્કમાં છું અને કોંગ્રેસ હાઈકમાન્ડ અને ગાંધીપરિવારમાં સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી સાથે કોઇ સંપર્ક નથી. આજ બાબતે તેઓ બાપુનો સંપર્ક કરે તેવી અપેક્ષા છે કે કેમ? આવો સવાલ પૂછતા બાપુ હસવા લાગે છે. તેઓ કહે છે અપેક્ષા એ દુઃખનુ કારણ છે પણ રાજનીતિમાં અપેક્ષા નેચરલ બાબત છે.
રાજનીતિમાં અલગ-અલગ પક્ષો સાથે નેતાગીરી કરનારા બાપુ ભાજપમાં જોડાવા બાબતે કહે છે, “આ પ્રજાદ્રોહી પક્ષ છે. તેમાં જોડાવાનું મને સપનુંય નહીં આવે.”
બાપુના રાજકીય જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. તેમ છતાં દરેક ચૂંટણીઓ દરમિયાન તેમની અવગણના કરવી એ ગુજરાતની રાજનીતિમાં અશક્ય છે. તેઓ કઇ ભુમિકામાં હશે તે પર સૌ કોઇની નજર રહે છે. કોંગ્રસ બાદ એનસીપીમાં જોડાયા અને હવે તેઓ કોઇ પક્ષ સાથે નથી ત્યારે થોડા સમય અગાઉ ખેડુત આંદોલનના નેતા રાકેશ ટિકૈત સાથેની તેમની મુલાકાતથી પણ ગુજરાતની રાજનીતિમાં થોડો ગરમાવો આવ્યો હતો.