જિજ્ઞેશ મેવાણીના મતવિસ્તારમાં ઓવૈસીની એન્ટ્રી કેમ?

| Updated: May 21, 2022 11:43 am

કોંગ્રેસ પક્ષ એઆઈએમઆઈએમને ભાજપની બી-ટીમ કહે છે અને એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ ઘણી વાર વળતો પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ ગુજરાતમાં ત્રણ દાયકાથી સત્તાધારી પક્ષ સાથેની મિલી ભગતમાં કામ કરી રહી છે અને તેથી રાજ્યમાં ચૂંટણી જીતી શકતી નથી.

પરંતુ ઓવૈસીએ અચાનક 15મેના રોજ બનાસકાંઠા જિલ્લાના છાપી શહેરની મુલાકાત લીધી હતી. જે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના વડગામ મતવિસ્તારનો મહત્વનો વિસ્તાર છે. આ જ કારણ છે કે મેવાણીએ 2021માં ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા ગુજરાતનો સૌથી મોટો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા માટે આ સ્થળ પસંદ કર્યું હતું.
મેવાણીએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો છે અને તે ભાજપ માટે તકલીફ સમાન ત્રણ યુવાનો પૈકી હવે તે એક માત્ર યુવાન છે. અન્ય બે હતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. જેમણે સાથે મળીને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બે આંકડામાં, 99 બેઠકો પર લાવી દીધો હતો.

અલ્પેશ ઠાકોર 2019માં જ ભાજપમાં જોડાયા હતા અને તેમને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.  હવે હાર્દિક પણ ભાજપની જોરદાર પસંશા કરે છે અને તેમણે કોંગ્રેસ છોડી દીધી છે. મજાની વાત એ છે કે, હાર્દિક પટેલ હવે કોંગ્રેસ પક્ષ માટે ન્યુસન્સ વેલ્યુ છે. જોકે 2015 થી 2017 દરમિયાન જ્યારે પાટીદાર આંદોલન શરૂ કર્યું હતું ત્યારે હાર્દિકનું જે કદ હતું,તે હવે રહ્યું નથી.

આ જ કારણ છે કે ઓવૈસીએ 14 મે અને 15 મેના રોજ ગુજરાતની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન કાર્યક્રમને સંબોધવા માટે છાપીની પસંદગી કરી હતી. જેના કારણે ઘણા રાજકીય તર્ક-વિતર્ક થઇ રહ્યા છે. 14 મેના રોજ તેમણે અમદાવાદના સરસપુરમાં ઇદના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

છાપી શહેરમાં મુસ્લિમ વસ્તી 35 ટકા છે અને વડગામમાં એઆઈએમઆઈએમ ઉમેદવાર ઉતારે તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેવાણીના મતો ધોવાય તેવી સંભાવના છે. જેવું ફેબ્રુઆરી 2021 ની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી દરમિયાન ઘણી બેઠકો પર થયું હતું. એઆઈએમઆઈએમએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાસેથી મુસ્લિમ બહુમતીવાળી સાત બેઠકો આંચકી લીધી હતી, જ્યારે ગોધરા નગરપાલિકામાં તે કિંગમેકર તરીકે ઉભરી આવી હતી અને રાજ્યભરમાં 24 બેઠકો જીતી હતી.

આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા કે જેમને 2017માં મેવાણીને અપક્ષ ઉમેદવાર તરીકે કોંગ્રેસનાં સમર્થન માટે પોતાની વડગામ બેઠક ખાલી કરવી પડી હતી, તેઓ ભાજપમાં જોડાયા છે. તેઓ કદાચ ફાયરબ્રાન્ડ દલિત યુવાનનો ખેલ બગાડવા વડગામથી ચૂંટણી લડશે.

2017માં, મેવાણીએ 19,696 મતોની સરસાઇથી આ બેઠક જીતી હતી.મેવાણીએ 95,497 અને ભાજપના ઉમેદવાર વિજય કુમાર ચક્રવર્તીએ 75,801 મતો મેળવ્યા હતા. 2007માં ભાજપે આ બેઠક 9,705 મતોની સરસાઇથી જીતી હતી.
આ નાના શહેરમાં ઓવૈસીનું શક્તિ પ્રદર્શન, મણિભાઈ વાઘેલાનો ભાજપ પ્રવેશ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ જિજ્ઞેશ મેવાણી માટે એક મોટો પડકાર છે. આ વિસ્તારમાં અને સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારોમાં ‘આપ’ નોંધપાત્ર પરિબળ નથી, પરંતુ તે વડગામમાં કોંગ્રેસના મતોમાં ગાબડાં પાડશે તે ચોક્ક્સ છે.

આ ઘટનાક્રમ વિશે પૂછવામાં આવતા જિજ્ઞેશ મેવાણીએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું કે,તે (ઓવૈસીને) ભલે આ વિસ્તારમાં આવે, તો શું થયું? આ દેશમાં ગમે ત્યાં જવાનો દરેકને અધિકાર છે. મારી પાસે મારી વ્યૂહરચના છે. સમય આવ્યે તમને ખબર પડશે.


તાજેતરમાં આસામ જેલમાંથી છૂટ્યા બાદ જિજ્ઞેશ મેવાણીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા કે તે એક મોટી લડતની તૈયારી કરે છે. મેવાણીએ પોપ્યુલર ફિલ્મ “પુષ્પા”નો એક બહુ જાણીતો ડાયલોગ બોલીને કહ્યું હતું કે, “મૈં ઝુકેગા નહીં સાલા”.

Your email address will not be published.