ભારતના ઘઉં નિકાસ પર પ્રતિબંધ બાદ, વૈશ્વિક સ્તરે ઘઉંનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યો

| Updated: May 17, 2022 5:11 pm

હીટવેવના કારણે ઉત્પાદનને અસર થતાં ભારતે તાજેતરમાં ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે સોમવારના રોજ યુરોપિયન ટ્રેડિંગમાં ઘઉંના ભાવ નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા.

યુરોનેક્સ્ટ માર્કેટ ખુલતાની સાથે જ ઘઉંનો ભાવ ટન દીઠ 435 યુરો ($453) પર પહોંચી ગયો હતો. જે શુક્રવારના 422 યુરોના રેકોર્ડ ભાવ કરતાં પણ વધુ હતો.

વૈશ્વિક નિકાસમાં 12 ટકા હિસ્સો ધરાવતા યુક્રેનના કૃષિ પાવરહાઉસ પર રશિયાના આક્રમણ બાદથી વૈશ્વિક ઘઉંના ભાવ પુરવઠાના ભયને કારણે વધી ગયા છે.  

ખાતરની અછત અને નબળી લણણીના કારણે વધતા ભાવે વૈશ્વિક સ્તરે ફુગાવાને વેગ આપ્યો છે અને ગરીબ દેશોમાં દુષ્કાળ અને સામાજિક અશાંતિનો ભય ઉભો કર્યો છે.

ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ કેમ મૂક્યો?

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે શનિવારના રોજ જણાવ્યું હતું કે, ભારતમાં માર્ચ મહિનામાં પડેલી રેકોર્ડ ગરમી બાદ, દેશ નિકાસ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે, જેથી વેપારીઓને નવા સોદા કરવા માટે સરકારની સ્પષ્ટ મંજૂરી લેવી પડશે.

કેન્દ્રિય સરકારે જણાવ્યું હતું કે, ઓછા ઉત્પાદન અને તીવ્ર વૈશ્વિક કિંમતો સામે તેના પોતાના 1.4 અબજ લોકોની ખાદ્ય સુરક્ષાને સુરક્ષિત કરવા માટે ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું પગલું જરૂરી હતું.

વાણિજ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યમે રવિવારના રોજ જણાવ્યું હતું કે, ભારતના કેટલાક ભાગોમાં તાજેતરના અઠવાડિયામાં ઘઉં અને લોટના ભાવમાં 20થી 40 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

વૈશ્વિક ભાવમાં તીવ્ર વધારો થવાને કારણે કેટલાક ખેડૂતો સરકારને નહીં પણ વેપારીઓને વેચી રહ્યાં હતાં. જેથી રોગચાળા દરમિયાન ઓછો થઈ ગયોલા, લગભગ 20 મિલિયન ટનના સરકારના બફર સ્ટોક વિશે કેન્દ્રિય સરકાર ચિંતિત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારનું બફર સ્ટોક લાખો ગરીબ પરિવારોની ખાધ્ય સુરક્ષા માટે અને કોઈપણ સંભવિત દુષ્કાળને ટાળવા માટે જરૂરી છે.

જોકે, જો અન્ય સરકારોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારો મંજૂરી માંગે તો નિકાસ પણ થઈ શકે છે.

ભારતે અગાઉ કહ્યું હતું કે તે યુક્રેન યુદ્ધને કારણે પુરવઠાની કેટલીક તંગી પૂરી કરવામાં મદદ કરવા તૈયાર છે. ગત અઠવાડિયે જ ભારતે ઘઉંની નિકાસ વધારવા માટે ચર્ચા કરવા ઇજિપ્ત, તુર્કી અને અન્યત્ર દેશોમાં પ્રતિનિધિમંડળ મોકલવાની જાહેરાત કરી હતી. આ મુલાકાતો હવે આગળ વધશે કે કેમ તે સ્પષ્ટ નથી.

Your email address will not be published.