કોણ કહે છે કે ગૌશાળા દાન પર ચાલે છેઃ જાણો ગુજરાતના કાઉ આંત્રપ્રિન્યોરને

| Updated: April 15, 2022 3:38 pm

અમદાવાદઃ રાજકોટના ગોંડલ શહેરના રમેશ રૂપારેલિયા દ્વારા સંચાલિત ગીર ગૌ જતન સંસ્થા (જીજીજેએસ)એ સાબિત કર્યુ છે કે વસૂકી ગયેલી ગાયોની પણ કેટલીક ઉપયોગિતા છે. બસ ફક્ત નજર દોડાવવાની જરૂર છે. તેઓ 150 જેટલી ગાય આધારિત પ્રોડક્ટ્સ બનાવે છે અને કાઉ પ્રોડક્ટ્સના પ્રોસેસિંગમાં મશીનોનો ઉપયોગ કરે છે, ફક્ત એટલું જ નહી આ પ્રોડક્ટ્સની 124 દેશોમાં નિકાસ પણ કરે છે.

ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર (ડીટીસી) માર્કેટ મોડેલનો ઉપયોગ કરીને જીજીજેએસ તેની પ્રોડક્ટ્સનું તેની વેબસાઇટ દ્વારા વેચાણ કરે છે. રૂપારેલિયાના જણાવ્યા મુજબ તેઓ દર મહિને 35 લાખ રૂપિયાની કાઉ પ્રોડક્ટ્સ વેચે છે, જેનું વર્ષે કુલ ચાર કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. આમાથી 25 ટકા પ્રોડક્ટ્સની નિકાસ થાય છે.

ગાયોને રાખતી પાંજરાપોળ અંગે સામાન્ય રીતે એવી માન્યતા જ છે કે તે દાન પર નભતી હોય છે. અહીં સામાન્ય રીતે વસૂકી ગયેલી ગાયો અને ભેંસોને રાખવામાં આવતી હોય છે. તેની જાળવણી માટે ભંડોળની જરૂર પડતી હોય છે અને તે લોકો પાસેથી મળતા દાન પર ચાલતી હોય છે. પણ કેટલાક એવા સાહસિકો પણ છે જેમણે કાઉ પ્રોડક્ટ્સને નફાકારક કારોબાર બનાવ્યો છે.

આ ઉદ્યોગસાહસિકો પાછા ગાય આધારિત પ્રોડક્ટસનું ઉત્પાદન કરે છે અને કેટલાક દેશોમાં તેની નિકાસ પણ કરે છે. આ દેશોએ કેમિકલ આધારિત ખાતર અને જંતુનાશકોના બદલે કુદરતી ઉત્પાદનો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેના લીધે તેમના ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. તેની સાથે કૃષિ ક્ષેત્રે મહત્તમ નફો પણ મળવા લાગ્યો છે.

તેમણે ઉમેર્યુ હતું કે કાઉ આંત્રપ્રિન્યોરશિપમાં ગૌશાળાને આવક સર્જન કરતાં કેન્દ્રોમાં પરિવર્તીત કરવાની ક્ષમતા છે. તેના લીધે ગાયની સારસંભાળના ખર્ચને પણ યોગ્ય રીતે પહોંચી વળી શકાય છે. તેમનું કહેવું છે કે ગૌશાળા અંગેની પરિકલ્પનામાં જ ધરમૂળથી પરિવર્તન લાવવાની જરૂર છે. ભારતમાંથી દસ હજાર લોકો અને 26 દેશોના પ્રતિનિધિઓ જીજીજેએસની મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓ જોવા માંગે છે કે કાઉ આંત્રપ્રિન્યોરશિપ મોડેલ કેવી રીતે સફળ થાય છે.

કચ્છ જિલ્લાના નાની નાગલપરના મેઘજીભાઈ હિરાણીએ નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્ર્માં 123 ઢોર રાખે છે મારો પ્રયત્ન ગૌશાળાને નફાકારક બનાવવાનો છે. ફક્ત દૂધ વેચવાથી ન ચાલે. આજે 123 ગાયમાંથી 13 ગાય જ દૂધ આપે છે. પણ હું ગૌશાળામાંથી ગયા વર્ષે 35 લાખ કમાયો હતો અને ખર્ચ 15 લાખ હતો. અંજારમાં એક દુકાન ઉપરાંત 70 જેટલી કાઉ પ્રોડક્ટ્સનું વેચાણ કરું છું.

આ જ રીતે નાનજી રૂપારેલિયાએ 2008થી તેમના ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી. અગાઉ ખાતર અને જંતુનાશકોનો જંગી ખર્ચ આવતો હતો. હવે કુદરતી ખાતર સસ્તુ તો પડે છે, પણ અસરકારક પણ નીવડે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર હળદર અને ડુંગળીનો જબરજસ્ત પાક થયો છે.

Your email address will not be published.