શા માટે પ્રશાંત કિશોર-સોનિયા ગાંધી વચ્ચેની વાતચીત પડી ભાંગી?

| Updated: April 27, 2022 3:25 pm

કોંગ્રેસમાં કોઈપણ પ્રકારની ઘટનાના બે પરિમાણ હોય છે અને પહેલા પછી બીજા પરિમાણનો અનુભવ પ્રશાંત કિશોરને થઈ ગયો હોવાથી તેમણે છેવટે કોંગ્રેસ સાથે ન જોડાવવાનું જ મુનાસિબ માન્યું છે. કોંગ્રેસ અને પ્રશાંત કિશોર બંને એક દિશામાં આગળ વધી રહ્યા હતા અને પીકેની કોંગ્રેસમાં જોડાવવાની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે કોંગ્રેસનો જ એક બીજો ચહેરો આવતા પીકે માટે કોંગ્રેસમાં જોડાવવું મુશ્કેલ થઈ ગયું હતું.

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ધરમૂળથી સુધારો કરવા માટે અને સદી જૂના પક્ષને બેઠો કરવામાં તથા 2024ની લોકસભા ચૂંટણી માટે વિવિધ રાજકીય જોડાણો કરવામાં તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે તેમ ઇચ્છતા હતા. આ જ બાબત તેમને કોંગ્રેસ પ્રવેશથી વંચિત કરી દીધા હોવાનું મનાય છે.

પ્રશાંત કિશોરે જ્યારે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકાની સાથે 13 વરિષ્ઠ નેતાઓ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યુ ત્યારે તેમની મોટાભાગની રજૂઆતો સાથે થયેલી સંમતિ બતાવતી હતી કે તેઓ ગમે ત્યારે પક્ષમાં જોડાઈ શકે છે. જો કે બંને પક્ષોએ ડીલ પૂરો કરવા માટે થોડો વધુ સમય લેવાનું નક્કી કર્યુ હતુ.

કિશોરના કોંગ્રેસમાં જોડાવવાની વાત સાથે જ કોંગ્રેસમાં બે અભિપ્રાય ઉભર્યા, એક તો એ કે પ્રશાંત કિશોર પક્ષમાં કન્સલ્ટન્ટ તરીકે જોડાઈ રહ્યા છે અથવા તો પૂર્ણકાલીન હોદ્દેદાર તરીકે જોડાઈ રહ્યા છે. તેમા પણ ખાસ કરીને સોનિયા ગાંધીનું વલણ તો તે મુજબનું જ હતું કે તે કોંગ્રેસના બહુમતી લોકોના વલણ સાથે જશે. જ્યારે કિશોર માનતા હતા કે ગાંધી તેમને સમર્થન કરશે. તેથી જ્યારે પ્રશાંત કિશોરને એમ્પાવર્ડ કમિટીમાં જોડાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી ત્યારે તેમને કોઈ બીજા જ ગેમ પ્લાનની ગંધ આવવા લાગી.

એમ્પાવર્ડ કમિટીની રચના અંગેની વિગતો જનજાણકારીમાં ઉપલબ્ધ નથી, પણ કિશોરને આ 15 સભ્યોની સમિતિનો હિસ્સો બનાવાય તેમ માનવામાં આવતુ હતુ. આ સમિતિ 2024ની લોકસભાની અને નોન-એનડીએ પક્ષો સાથેના જોડાણની વ્યૂહરચના બનાવવાની છે. હવે જો આ સમિતિના સભ્ય બનવું હોય તો તેના માટે કોંગ્રેસના સક્રિય સભ્ય થવું જ પડે. જ્યારે સોનિયા ગાંધી પક્ષની ધુરા સંભાળતા હોય ત્યારે સત્તાના બધા જ સૂત્રો તેમના જ હાથમાં હોય, તેથી જો બીજું કોઈ એમ માનતું હોય કે તેમના હાથમાં સત્તા છે તો તેમની સ્થિતિ વરવી થઈ શકે છે. ભૂતકાળમાં આ પ્રકારની બાબતનો અનુભવ અર્જુનસિંહ, નટવરસિંહ અને ડાબેરી પક્ષોને પણ થઈ ચૂક્યો છે. હવે આ અનુભવ પ્રશાંત કિશોરને પણ થયો છે. આમ અહીં કિશોર માટે બધુ કરવા છતાં ઠેરના ઠેર જેવી સ્થિતિનું જ મંડાણ થયું હતું.

પ્રશાંત કિશોર સમજી ગયા છે કે કોંગ્રેસ પક્ષ વાસ્તવમાં તેમની પાસેથી તેમની ઇચ્છા હોય તેટલું જ ગ્રહણ કરવાનો ઇરાદો ધરાવે છે. તેમને પોતાને કોઈ વિશેષ જવાબદારી આપવાની તેમની ઇચ્છા નથી. આમ સોનિયા ગાંધીની નજીકના લોકોને તેમના હાથમાં સત્તા હોવાનો ભાષ થયા કરે, પરંતુ વાસ્તવમાં સત્તા તો તેમની જ પાસે હોય છે.

હાલમાં કોંગ્રેસ આગળ લાંબા સમયથી ગરબા લેતા પ્રશાંત કિશોરની પણ આ જ સ્થિતિ છે. આ ત્રીજી વખત કોંગ્રેસ-કિશોર જોડાણ ટેકઓફ થવામાં નિષ્ફળ ગયું છે. અગાઉ 2017માં કોંગ્રેસે ઉત્તરપ્રદેશના કેમ્પેઇન માટે પ્રશાંત કિશોરને આમંત્રિત કર્યા હતા, પણ ઉત્તરપ્રદેશમાં શીલા દિક્ષીતને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવવાનું અને રાજ બબ્બરને પક્ષના વડા બનાવવાનો નિર્ણય ઉલ્ટો પડ્યો હતો. કોંગ્રેસે તેના બદલે સમાજવાદી પક્ષ સાથે હાથ મિલાવ્યા હતા અને 403માંથી સાત બેઠક જીતી હતી.

2021માં સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરને આમંત્રિત કર્યા હતા. બંને પક્ષોએ ઘણા બધા પાસાને આવરી લીધા હતા. સોશિયલ મીડિયા અંગે તલસ્પર્શી રજૂઆત કરાઈ હતી. પણ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની ચૂંટણીના લીધે આ બધી પ્રક્રિયા અટકી ગઈ હતી. આમ કોંગ્રેસમાં વર્ષોથી તે મનોદશા થઈ ગઈ છે કે તે પરિવર્તન માટે તૈયારી તો કરે છે, પરંતુ જ્યારે કરવાનું આવે છે ત્યારે તે પારોઠના પગલા ભરે છે. હવે રાહુલ ગાંધીના નેજા હેઠળના ગાંધી કુટુંબે બધી બાબતો સંભાળવાની આવશે.

Your email address will not be published.