ભારતીયો શા માટે વિદેશમાં સફળતા મેળવે છે?

| Updated: January 19, 2022 4:56 pm

અતિ-રાષ્ટ્રવાદના આ સમયમાં, સ્વાતંત્ર્યની 75મી વર્ષગાંઠનાં ઢગલાબંધ મેસેજ આવી રહ્યા છે. જે દેશભક્તસંબંધીઓ, મિત્રો અને અન્ય લોકો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે. જે ભારતની મહાનતાનાં ગુણગાન ગાય છે. આવા એક મેસેજને ઉશ્કેરણીજનક ટાઇટલ આપવામાં આવ્યું હતું “દુનિયા કોણ ચલાવી રહ્યું છે?” (નોમ ચોમ્સ્કીની માફી વગર).

અહીં એક સારાંશ છે: એક દિવસ, ડોનાલ્ડ ટ્રમ્પ, વ્લાદિમીર પુટિન, શી જિનપિંગ અને નરેન્દ્ર મોદી વિશ્વનો હવાલો કોની પાસે છે તેનાં પર દલીલ કરી રહ્યા હતા. ખૂબ વિચાર-વિમર્શ પછી મોદીએ જવાબ આપ્યો કે તેઓ માત્ર એટલું જ જાણે છે કે કે વિશ્વના અગ્રણી સીઈઓ ભારતીય છે. મેસેજમાં પછી કંપનીઓની યાદી દેખાય છે, જેમાંથી ઘણા જાણીતા નામો છે (ગુગલ અને માઈક્રોસોફ્ટ) અને આવા 21  અન્ય ઉદાહરણો પછી અન્ય દેશોમાં રાજકીય રીતે ઉચ્ચ સ્થાને બેઠેલા ભારતીયોની યાદી.

આ તે પહેલાં હતું જ્યારે ભારતીય મૂળની વ્યક્તિએ ટ્વિટરનું સુકાન સંભાળ્યું અને ભારતીય મૂળની વ્યક્તિઓની બાદબાકી કે જેમણે મેડિસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક એનજીઓનું અથવા યુએસ રાજ્યો અથવા યુરોપિયન દેશો નેતૃત્વ કર્યું છે. (પોર્ટુગલ અને આયર્લેન્ડ અને કેટલાક નજીકના ભવિષ્યમાં યુકેની આગાહી કરે છે!).

એમાં કોઈ શંકા નથી કે ભારતમાં જન્મેલી વ્યક્તિઓ જ્યારે “પશ્ચિમ” (યુરોપ અને ઉત્તર અમેરિકા)માં સ્થળાંતર કરે છે ત્યારે અન્ય તમામ  દેશનાં લોકો કરતાં સારું પ્રદર્શન કરે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, મેં વાંચ્યું કે ભારતીય મૂળના લોકો યુએસ યુનિકોર્નના ઇમિગ્રન્ટ ફાઉન્ડર્સની યાદીમાં ટોચ પર છે. પરંતુ મને આશ્ચર્ય થયું કે શું તે ભારતને બદલે તેઓ સ્થળાંતર કરીને આવ્યા તે દેશની “મહાનતા” વધુ દર્શાવે છે?

વિદેશમાં સફળતા મેળવનારા કેટલાક લાખ  ભારતીયો વચ્ચેની વિસંગતતાને આંચકો લાગે તેવી આ યાદી હતી. તેઓ તેમની કંપનીઓ (અને, કેટલાક કિસ્સાઓમાં દેશો)ને વધુ ઉંચાઈએ લઈ જઈ રહ્યા હતા, જ્યારે ભારત પોતે, એક અબજથી વધુ સાથીદારોનું ઘર હોવા છતાં માનવ વિકાસ, આવક સમાનતા, ખાદ્ય સુરક્ષા, લિંગ સમાનતા, હવાની ગુણવત્તા, પારદર્શિતા, સાર્વત્રિક આરોગ્ય કવરેજ, સાક્ષરતા અને સ્વચ્છતા જેવા મામલે દેશોની લગભગ દરેક સૂચિમાં તળિયે જોવા મળે છે.

વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2020માં, અફઘાનિસ્તાન, દક્ષિણ સુદાન અને યમનની સાથે આપણો નંબર આવે છે.વધુ ચિંતાજનક બાબત એ છે કે, તાજેતરના વર્ષોમાં આ આપણું રેન્કિંગ ઘટી રહ્યું છે.

ભારત, યુ.એસ. અને યુકેમાં જાહેર આરોગ્ય વિજ્ઞાની તરીકે કામ કરવાના મારા પોતાના અંગત અનુભવને આધારે મેં આના પર ઘણું વિચાર્યું છે. હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે ભારતીયો જ્યારે પશ્ચિમમાં સ્થળાંતર કરે છે ત્યારે તેઓ સફળતા મેળવે છે તેનું મુખ્ય કારણ તેમના ભારતીય વારસા કરતાં તેઓ જે દેશમાં છે, તે દેશોએ તેમના સમાજોને જે રીતે આકાર આપ્યો છે તે વધારે છે. વિવિધતા, સમાનતા અને તમામનાં સમાવેશ માટે આ દેશો પ્રતિબધ્ધ છે. ખરેખર, જો આ પ્રતિબદ્ધતા ન હોત, તે આવી સફળતા હાંસલ કરવી અશક્ય હતી. તે બાબત ભારતમાંથી વિદેશમાં જઇ રહેલા લોકોમાં થયેલા વધારા માટે જવાબદાર છે.

અલબત્ત, આ દેશોમાં હંમેશા આવી સ્થિતિ ન હતી. નરસંહાર, ગુલામી, સંસ્થાનવાદ અને શ્વેત લોકોનું પ્રભુત્વ ધરાવતા પશ્ચિમના ઇતિહાસમાં વિવિધતા, સમાનતા અને સર્વસમાવેશ ન હતા. પરંતુ, ગઇ અડધી સદીમાં, આ દેશોએ તેમનાં સમાજોને બહુસાંસ્કૃતિકવાદ તરીકે એ રીતે વિકસિત કર્યા કે જ્યાં તમામ રંગ અને વંશીયતાના લોકો ટોચનાં સ્થાને પહોંચી શકે.

આ ચોક્કસ રીતે વ્યંગાત્મક છે કે જેઓ ભારતથી ભાગી રહ્યા છે તેઓ એવી ભૂમિ છોડી રહ્યા છે જે ઐતિહાસિક રીતે, વિશ્વનું સૌથી વૈવિધ્યસભર રાષ્ટ્ર હતું. મહાનતાનો ભારતનો દાવો બહુસાંસ્કૃતિકવાદના તેના અપ્રતિમ ઇતિહાસમાં સમાયેલો છે, જે યુરોપિયન યુનિયન અથવા યુરોપિયન વસાહતીઓ દ્વારા  લોકોની હત્યા કર્યા પછી બનાવેલા દેશો કરતાં વધુ સમૃદ્ધ અને વિવિધતાસભર છે.

આ એક એવી ભૂમિ છે જ્યાં હજારો ભાષાઓ બોલાય છે, જેણે વિશ્વના ચાર મુખ્ય ધર્મોને જન્મ આપ્યો હતો અને અન્યોને આશ્રય આપ્યો હતો, એક એવી ભુમિ જેણે તેના આક્રમણકારોને પણ અપનાવી લીધા હતા. ભારત એક સાહસિક અને અનન્ય સંસ્કૃતિ ધરાવે છે.

પરંતુ તે ભારત હવે અદૃશ્ય થઈ રહ્યું છે તેવું લાગે છે. કારણ કે જેમના પૂર્વજો અને ઈતિહાસ અવિભાજ્ય રીતે જોડાયેલા છે તેવા સમુદાયો વચ્ચેની ફોલ્ટ લાઇન મોટી થઇ રહી છે. હું નિરાશા સાથે જોઉં છું કે હિંસાની ભાષા સાંકેતિક અને વાસ્તવિક બંને રીતે, કળા, સંસ્કૃતિ અને વિશ્વાસનું સ્થાન લઈ રહી છે.

આપણા રાષ્ટ્રની વિવિધતાની લાક્ષણિકતા એકરૂપતામાં બદલાઇ રહી છે. જાહેર સંસ્થાઓ (જેલ સિવાય)માં લઘુમતીઓનું ઘટતું પ્રતિનિધિત્વ, વિવિધ ખાદ્ય આદતો અને રિવાજોનું રાક્ષસીકરણ, આપણા કેટલાક રિવાજોને વિદેશી તરીકે ફરીથી ઘડવા અને ઇતિહાસનું પુનઃલેખન, સમુદાયો વચ્ચે સહવાસ અને લગ્નને જોખમમાં મૂકતો આતંક.

મને લાગે છે કે આ મહાનતાની ખોટી રેસિપી છે, જે આપણા દેશની પ્રતિષ્ઠાને વિશ્વની નજરમાં જ નહીં પણ આપણા પોતાના યુવાનોની નજરમાં નીચે ઉતારશે.

વિશ્વ પર રાજ કરનારા ભારતીયના નામોની યાદી કમલા હેરિસ સાથે સમાપ્ત થાય છે. અલબત્ત, તેમની વાત સંપૂર્ણપણે પ્રેરણાત્મક છે. પરંતુ, મને આશ્ચર્ય થયું કે તેના જેવી વ્યક્તિ, એક હિંદુ ભારતીયની મહિલા અને એક અશ્વેત વેસ્ટ ઇન્ડિયન ખ્રિસ્તીનું સંતાન, શ્વેત લોકોનું પ્રાધાન્ય ધરાવતા દેશમાં આટલી ઊંચાઈએ પહોંચી શકે છે.

સોમવારે રાજ્યના સેનેટર તરીકે યાસ્મીન ટ્રુડોની નિમણૂક સાથે, વોશિંગ્ટન રાજ્યની વિધાનસભામાં દક્ષિણ એશિયાઈ મૂળની ચાર મહિલાઓ છે, જેમાં એક હિન્દુ, એક શીખ અને એક મુસ્લિમનો સમાવેશ થાય છે. તેમાંની એક મહિલા, બિહારની મોના દાસે કહ્યું કે આ એ વાતનો પુરાવો છે કે અમેરિકા તેના સમુદાયોની વિવિધતાને આવકારે છે.

મને કોઈ શંકા નથી કે આપણા રાષ્ટ્રવાદીઓ ભારતને પ્રેમ કરે છે, પરંતુ તેઓ એ જોઈ શકતા નથી કે આપણા ચહેરા પર શું તાકી રહ્યું છે: નફરત, અને તે આપણા યુવાનો માટે આશાના ઝબકારાને બુઝાવી દેશે કે જ્યાં વ્યક્તિગત ઓળખની વિવિધતા એ દેશની પરિપક્વતા, મહાનતા અને આધુનિકતાની નિશાની છે.

ચિંતાની વાત એ છે કે વર્ષ 2016થી 2019 સુધીના ત્રણ વર્ષમાં દેશ છોડીને વિદેશ ભણવા ગયેલા યુવાનોની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે અને લાગે કે આગામી વર્ષોમાં આ સંખ્યા વધુ વધશે. મોટાભાગના માઇગ્રન્ટ્સ બનશે અને ચોક્ક્સપણે એવા ભારતીયોની હરોળમાં જોડાશે જેઓ વિશ્વ પર શાસન કરે છે.

આપણી વિવિધતા આપણી સૌથી મોટી સંપત્તિ છે અને પશ્ચિમે આપણી કેટલીક તેજસ્વી પ્રતિભાઓ સહિત આપણને સ્વીકાર્યા છે. જો આપણે ઇચ્છીએ  કે ભારત આ મહાનતાનો અહેસાસ કરે, તો આપણે આપણા રાષ્ટ્રના આ મૂળતત્વને જાળવી રાખવા પ્રતિબધ્ધ બનવું પડશે.

Your email address will not be published.