દેશમાં મહિલા આઇએએસ અધિકારીઓનું પ્રમાણ આટલું ઓછું કેમ છે?

| Updated: January 8, 2022 5:05 pm

– દેશના 36 રાજ્યમાં માત્ર 2 મહિલા ચીફ સેક્રેટરી

– 1951થી 2020 સુધીમાં માત્ર 1,527 મહિલા સિવિલ સર્વિસિસમાં પ્રવેશી શકી

વર્ષ 1951માં પહેલી દેશમાં સનદી અધિકારી અથવા તો ઇન્ડિયન સિવિલ સર્વિસિસમાં પહેલીવાર મહિલાની પસંદગી થઈ હતી. એ પછી છેક 2020 સુધી આઇએએસ અધિકારીઓમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 15 ટકા જેટલું છે. આંકડાઓ પર નજર નાખીએ તો 1951થી 2020 સુધીમાં 11,569 અધિકારીઓ સિવિલ સર્વિસિસમાં પ્રવેશ્યા હતા જેમાં માત્ર 1,527 મહિલા અધિકારી છે. અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સેન્ટર ફોર પોલિટિકલ ડેટા દ્વારા ભારતીય સનદી સેવા વિશે કરવામાં આવેલા અભ્યાસમાં આ તારણો સામે આવ્યા હતા.

આઇએએસની પરીક્ષા પાસ કરનાર પ્રથમ મહિલા અધિકારી હતાં અન્ના રાજન જ્યોર્જ. આઘાતજનક વાત એ છે કે તેમને અપાયેલા નિમણૂંક પત્રમાં એવું લખવામાં આવ્યું હતું કે જો તમે લગ્ન કરશો તો તમારી સેવાઓનો અંત આવી જશે. એટલું જ નહીં તેમને વિદેશ સેવા કે કેન્દ્રીય સેવાઓ પસંદ કરવાની અપીલ કરવામાં આવી હતી.

જોકે બાદમાં લગ્ન અંગેનો નિયમ બદલાયો હતો અને લગ્ન પછી પણ તેમણે ફરજ બજાવી હતી. 1970માં સિવિલ સેવામાં પ્રવેશનારાઓમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 9 ટકા રહ્યું છે. વર્ષ 2020 સુધીમાં આ પ્રમાણ વધીને માંડ 31 ટકા થયું છે.

હાલ દેશની સનદી સેવાઓમાં સામેલ મહિલાનું પ્રમાણ માત્ર 21 ટકા છે. યાદ રહે કે 2021માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે સર્વાસમાવેશ અને જવાબદેહ જાહેર વહીવટ માટે જેન્ડર ઇક્વાલિટી અથવા તો જાતીગત સમાનતા સૌથી મહત્ત્વનો હિસ્સો છે.

બ્યૂરોક્રસી કે સરકારની કામગીરીમાં મહિલાઓનું સમાન પ્રતિનિધિત્વ અત્યંત જરુરી છે. જાહેર જનહિતના વિવિધ પાસાઓ, પરિમાણોને ધ્યાન લેતા મહિલાઓનું પૂરતું પ્રતિનિધિત્વ અસરકારક વહીવટ માટે અનિવાર્ય બની જાય છે.

2017માં સિવિલ સર્વિસિસ એક્ઝામ આપનારમાં 30 ટકા મહિલાઓ

માર્ચ 2020માં સંસદમાં સરકારે વહીવટીતંત્રમાં જાતીગત સમાનતા જળવાય એ માટે પૂરતા પ્રયાસોની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જોકે આંકડાઓ અને અભ્યાસો દર્શાવે છે કે ભાગ્યે જ કશું બદલાયું છે. દર વર્ષે હજારો યુવાનો સિવિલ સર્વિસિસ એક્ઝામ આપતા હોય છે. જેમાંથી થોડાઘણા જ સિલેક્ટ થાય છે. જેમાં મોટું પ્રમાણ પુરુષોનું હોય છે.

2017માં સિવિલ સર્વિસિસ એક્ઝામ આપનારાઓમાં મહિલાનું પ્રમાણ 30 ટકા જેટલું હતું. આ પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછી 21 વર્ષની વય તથા સ્નાતકની ડિગ્રી અનિવાર્ય મનાય છે. આ એક્ઝામમાં પ્રિલિમિનરી, મેઇન એક્ઝમ અને ઇન્ટરવ્યૂ એમ ત્રણ તબક્કા હોય છે. છેલ્લા બે તબક્કામાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ફાઇનલ રીક્રુટમેન્ટ લીસ્ટમાં પસંદ થાય છે.

કોઈપણ ઉમેદવાર 32 વર્ષની વયમર્યાદામાં વધુમાં વધુ છ વખત આ પરીક્ષા આપી શકે છે. વંચિત સમુદાય કે શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળે છે. મહિલા ઉમેદવારોને પ્રિલિમ અને મેઇન એક્ઝામની ફીમાંથી મુક્તિ અપાઈ છે.

પરિવારના સપોર્ટ વિના ઝઝુમવું પડે છે

2015ની બેચના આઇએએસ અને હાલ પૂર્વોત્તર રાજ્યોની બાબતોના કેન્દ્રીય વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારી ઈરા સિંઘલ જણાવે છે કે સિવિલ સર્વિસિસ એક્ઝામની તૈયારી ઘણી પડકારજનક છે. આ પરીક્ષા પાસ કરવા માટે એકથી વધુ પ્રયાસો કરવા પડે છે.

ઘણા પરિવારો ધીરજ રાખીને પુત્રીને કે પરિવારની મહિલાને સહકાર આપતા નથી. વર્ષો સુધી પ્રયાસો કરવા છતાં પણ જો મહિલા પરીક્ષા પાસ ન કરી શકે તો તેના ભાવિ પતિને શું સ્પષ્ટતા આપીશું એ પણ તેમના માટે મૂંઝવણ હોય છે. દિલ્હીના કરોલ બાગ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના જાણીતા કોચિંગ ક્લાસમાં કાઉન્સેલર તરીકે કાર્યરત પ્રિયા રોય જણાવે છે કે 30 વર્ષથી વધુ વય હોવા છતાં પુરુષ ઉમેદવારો સિવિલ સર્વિસિસની તૈયારી કરતા જોવા મળશે પણ આ જ વયની મહિલાઓ ભાગ્યે જ જોવા મળશે. એમાં પણ 30 વર્ષની વય છતાં લગ્ન ન થયા હોય એવી મહિલાઓ ઓછી હોય છે.

એક બીજું મોટું પરિબળ અંતર છે. મોટાભાગના પરિવારો પરીક્ષાની તૈયારી માટે દીકરીને ઘરથી દૂર બીજા શહેરમાં મોકલવા તૈયાર હોતા નથી. સાથે જ કોચિંગ કલાસ કે પુસ્તકો માટે આર્થિક તંગી પણ મહિલા ઉમેદવારો માટે મોટો અવરોધ હોય છે.

માત્ર 5 ટકા મહિલાઓ પાંચમા પ્રયત્ન સુધી પહોંચી શકી

આંકડાઓ દર્શાવે છે કે સામાજિક, આર્થિક પરિબળોના કારણે પુરુષોની તુલનામાં મહિલાઓ ઓછા પ્રયત્નો કરી શકે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના 2019-20ના અહેવાલ મુજબ 2018માં આઇએએસની એક્ઝામ આપનાર મહિલાઓમાં 61 ટકા પહેલીવાર આ પરીક્ષા આપી રહી હતી. જ્યારે 19 ટકા બીજી વખત અને માત્ર 5 ટકા મહિલાઓનો પાંચમો પ્રયત્ન હતો. જેની સામે 10 ટકાથી વધારે પુરુષોનો પાંચમો કે છઠ્ઠો પ્રયત્ન હતો.

આંકડાઓ એ પણ સૂચવે છે કે મોટાભાગના પરિવારો 20 વર્ષની વય પછી પોતાની પુત્રીઓ કે પરિવારની મહિલાઓને પરીક્ષાની તૈયારી કરવા દેવાની મંજૂરી આપતા નથી. પ્રિયા રોય જણાવે છે કે વિવિધ સામાજિક તથા સલામતીના પરિબળો પણ મહિલા ઉમેદવારો માટે મોટો અવરોધ બને છે. જેમ કે અન્ય પુરુષ ઉમેદવારો પાસે મદદ કે સહકાર માગવો, કોચિંગ ક્લાસના ટીચર્સનો સંપર્ક કરવા જેવી બાબતો ઘણીવાર મહિલાઓ માટે સરળ હોતી નથી.

36 રાજ્યમાં માત્ર 2 મહિલા ચીફ સેક્રેટરી

નિવૃ્ત આઇએએસ અધિકારી અને 10 મહાન મહિલા આઇએએસ અધિકારીઓ વિશે પુસ્તક લખનાર રજની શેખરી સિબલ જણાવે છે કે લગ્ન પછી મહિલાઓ આઇએએસની સેવા આપી શકે નહીં એ નિયમ ભલે દૂર થયો હોય પણ આ માન્યતા હજુ પણ પ્રવર્તી રહી છે.

ખાસ કરીને પોલીસ કે અન્ય સેવાઓમાં એવું માનવામાં આવે છે કે અમુક ચોક્કસ પદ કે જવાબદારીઓ મહિલાઓ સંભાળી શકે નહીં. આઇએએસ અધિકારીઓના વર્તુળમાં પણ એવું માનવામાં આવે છે કે ચોક્કસ પોસ્ટીંગ મહિલાઓ માટે નથી. સિબલ પોતાનો જ દાખલો આપતા જણાવે છે કે 1966માં હરિયાણા રાજ્ય બન્યું એ પછી ત્રણ દાયકા સુધી ડેપ્યુટી કમિશનરની પોસ્ટ પર મહિલાની નિમણૂંક કરવામાં આવી નહોતી. છેક 1991માં હરિયાણામાં ડેપ્યુટી કમિશનર પદે મહિલાની નિમણૂંક થઈ હતી.

3 જાન્યુઆરી સુધીના આંકડાઓ અનુસાર કેન્દ્ર સરકારમાં 92 સચિવોમાં માત્ર 14 ટકા મહિલા છે. 2021ની 3 ડિસેમ્બર સુધીમાં દેશના 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માત્ર 2 મહિલા ચીફ સેક્રેટરી છે.

મહિલા અધિકારીને પણ પારિવારિક જવાબદારીઓ તો ખરી જ

બીજી ઓછી જાણીતી બાબત એ છે કે મહિલા આઇએએસ અધિકારીને પણ ફરજ ઉપરાંત પત્ની, પુત્રવધુ કે માતા તરીકેની જવાબદારીઓ તો હોય જ છે. આ કારણોસર મહિલા અધિકારીઓ હળવી જવાબદારી ધરાવતી પોસ્ટ પસંદ કરે છે.

નિવૃત્ત આઇએએસ અધિકારી રેણુ સેઠી જણાવે છે કે કોઈ યુવતિ આઇએએસ અધિકારી બને તો લગ્નના માર્કેટમાં તેની ડિમાન્ડ ઘટી જાય છે. જ્યારે જો પુરુષ આઇએએસ પદે પસંદ થાય તો તેની ડિમાન્ડ વધી જાય છે. લોકો ઇગોના કારણે મહિલા આઇએએસ અધિકારીને પસંદ કરવાનું ટાળે છે.

Your email address will not be published. Required fields are marked *