જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેમ યાદ કર્યા ગલબા કાકાને

| Updated: April 19, 2022 3:21 pm

પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરતાં ગલબા કાકાને યાદ કર્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે 60 વર્ષ પહેલાં એક ખેડૂત ગલબાકાકાએ જોયેલું સ્વપ્ન આજે બનાસ ડેરીના સ્વરૂપમાં ઊભું થયું છે. આજે બનાસડેરી જયાં ઊભી છે તેનો પાયો ગલબા કાકાએ નાખ્યો હતો. તેઓ સહકારી ચળવળના ભાગરૂપે ઘેર-ઘેર જઈને દૂધનું ઉઘરાણુ કરતા હતા અને પછી તેને ડેરીને સ્વરૂપ આપ્યું હતું.

બનાસકાંઠા જેવા વિસ્તારમાં પાણી ઓછું છે ત્યારે પશુપાલનના સ્વરૂપને સંગઠિત બનાવી બનાસ ડેરીનું સ્વરૂપ આપ્યું હતું. આમ ગલબા કાકાએ નાખેલો પાયો આજે બનાસ ડેરીના સ્વરૂપમાં વટવૃક્ષ બન્યો છે. તેથી જ બનાસ ડેરીએ તેમના સન્માનમાં કોલેજ પણ સ્થાપી છે. મોદીએ જણાવ્યું હતું કે ડેરી સેક્ટર કરોડો ખેડૂતોની અને પશુપાલકોની આજીવિકાનો મોટો સ્ત્રોત બની ગયું છે. ભારત દ્વારા વર્ષે 8,50,000 કરોડ લિટર દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે, જે વિશ્વમાં ભારતને ટોચ પર મૂકે છે. આ ઉત્પાદન દેશમાં અનાજના ઉત્પાદન કરતાં પણ વધારે છે. તેના લીધે આજ દૂધમાંથી બનેલી ડેરી પ્રોડક્ટ્સની નિકાસની વિશાળ સંભાવનાઓ સર્જાઈ છે. બનાસકાંઠા દેશનો પ્રથમ એવો જિલ્લો છે જ્યાં બે અત્યાધુનિક ડેરી છે. નવી ડેરીનું કામકાજ જુન 2020માં શરૂ થયુ હતુ અને ફક્ત 18 મહિનામાં જ ડેરી તૈયાર થઈ ગઈ હતી.

તેના પછી વડાપ્રધાને બનાસકાંઠા જિલ્લાની મહિલાઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં મહિલાઓ કરેલું કાર્ય પ્રશંસનીય છે. તેઓએ પશુપાલનને વ્યવસાય નહી પણ જીવનનો હિસ્સો બનાવી દીધો છે. ડેરી પ્લાન્ટમાં બનનારી પ્રોડક્ટ્સ દેશમાં દૂધની બનાવટોની માંગ તો પૂરી કરશે, પણ તેની સાથે નિકાસના મોરચે પણ મહત્ત્વનું પ્રદાન કરશે. આ પ્રકારની ચળવળ સમગ્ર દેશમાં વેગવંતી બને તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે દેશના ખેડૂતોને આહવાન કર્યુ છે કે દરેક ગામમાંથી 60 ખેડૂત કુદરતી ખેતી તરફ વળે. તેની સાથે તેમણે બનાસકાંઠાના વિસ્તારના ખેડૂતોને 75 મોટા તળાવ બનાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાણીને પારસ અને પરમ કૃપાળનું પરમાત્માનો પ્રસાદ માનીએ. વડાપ્રધાન આ ઉપરાંત બનાસ ડેરીની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ અને તેની દરેક પ્રક્રિયાઓ અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી અને તેની બધી વિગતો રસપૂર્વક જાણી હતી.

Your email address will not be published.