રાષ્ટ્રધ્વજને વેચાણની સામે સૌરાષ્ટ્રમાં વ્યાપક વિરોધઃ દેશભક્તિ કે વ્યાપારીકરણ

| Updated: August 2, 2022 3:26 pm

સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યુ છે. તેના હેઠળ આગામી 13થી 15 ઓગસ્ટમાં દરેક ઘર પર તિરંગો ફરકાવવાનો છે. પણ આ માટે સરકાર રાષ્ટ્રધ્વજ મફત કે નહીવતભાવે પૂરા પાડવાના બદલે 21થી 25 રૂપિયાના ભાવે વેચવાની છે. આ માટે ગુજરાતમાં દરેક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને લક્ષ્યાંક આપવામાં આવતા વિરોધનો વંટોળ જાગ્યો છે.

ગુજરાત સરકારની (#Gujarat Government) જીએસટી(#GST)ની માસિક આવક હવે લગભગ દસ હજાર કરોડ રૂપિયાને વટાવી જવાની તૈયારીમાં છે. હવે જો સમગ્ર ગુજરાતમાં એક કરોડ ઘરોમાં રાષ્ટ્રધ્વજ મફતમાં અપાય તો 25થી 30 કરોડનો ખર્ચ થાય તેમ છે. તેના બદલે આ રકમ લોકો પાસેથી વસૂલવાનો કીમિયો વહીવટીતંત્રને કોણે સૂજાડ્યો તે મોટો સવાલ છે.

આ અંગે રાજકોટ મહાપાલિકામાં જ જોઈએ તો સરકારે 50 હજાર રાષ્ટ્રધ્વજ મોકલ્યા છે. આ ઉપરાંત બે લાખ રાષ્ટ્રધ્વજ વોર્ડ ઓફિસથી નાના ધ્વજના 21 રૂપિયા અને મોટાના 25 રૂપિયા રોકડા વસૂલવામાં આવશે. આ ઉપરાંત ધ્વજ લગાવવા માટેની દાંડીના આઠ રૂપિયા અલગથી વસૂલવામાં આવશે. આ દાંડી મનપા દ્વારા ખરીદવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાત: આ વર્ષના જુલાઈમાં આશરે છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો

આ મુદ્દો લોકો એવો કટાક્ષ કરી રહ્યા છે કે દેશભક્તિની વાતો કરનારે કરોડો રૂપિયે કાર્યક્રમો કરવા છે. મહાનગરપાલિકાઓ પોતે દર વર્ષે દસથી અગિયાર કરોડ રૂપિયાને કોઈને કોઈ મેળાવડા પાછળ ખર્ચી નાખે છે, તો હવે દેશભક્તિના નામે તેમના પેટમાં શું ચૂક આવી. હવે મહાનગરપાલિકા આ બે લાખ રાષ્ટ્રધ્વજનો ખર્ચ લોકો પાસેથી વસૂલશે. આ રીતે લોકો પાસેથી નાણા વસૂલવા છે તેની દેશભક્તિ.

મોટા શહેરો જ નહી નાના શહેરોની નગરપાલિકાઓને પણ એક રાષ્ટ્રધ્વજ લેખે 21 રૂપિયા વસૂલવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. તાલુકાના તલાટી મંત્રીઓને, મામલતદાર, બાળવિકાસ અધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી, આરોગ્ય કચેરી બધી સરકારી અધિકારીઓને રાષ્ટ્રધ્વજ માટે લક્ષ્યાંક આપી દેવાયો છે. કદાચ કોઈ સરકારી કચેરી આમાં બાકી નથી.

સૌરાષ્ટ્રના (#Saurashtra) લગભગ તમામ જિલ્લાઓ, જિલ્લા પંચાયતો અને તેની નગરપાલિકાઓને આ પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે. આના લીધે કેટલાય લોકોનું કહેવું છે સરકાર કરોડો રૂપિયાના તાયફા કરે છે, પણ રાષ્ટ્રધ્વજ ફ્રીમાં કે અત્યંત નહીવત્ ભાવે આપવા તેની પાસે રૂપિયા નથી. કેટલાક કટાક્ષમાં કહે છે કે હવે સ્વતંત્રતા દિન નિમિત્તે ગરીબો બિચારા રાષ્ટ્રધ્વજ વેચીને પેટિયુ રળતા હતા, હવે તે કામ પણ સરકારે પોતાના હાથમાં લઈ લીધું છે. ગરીબો પાસે રહેશે શું.

Your email address will not be published.