વેકેશનમાં 1000થી વધુ વિધાર્થીઓને ગીતાનો પાઠ ભણાવશે સુરતના આ શિક્ષક

| Updated: April 30, 2022 4:08 pm

સુરતના આ શિક્ષક ખરેખર શિક્ષક તરીકેની ફરજની નિભાવીને અન્ય શિક્ષકોને પણ પ્રેરણા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ હજારોની સંખ્યામાં જરૂરિયાત મંદ સ્ટુડન્ટને ફ્રીમાં અભ્યાસ આપી રહ્યા છે, ત્યારે હવે તેઓએ ભાગવત ગીતાનો પાઠ પણ ભણાવાનો નિર્ણય કર્યો છે.

શાળાઓમાં ઉનાળાની રજાઓ એટલે શિક્ષકો માટે આરામ કરવાનો અને પરિવાર સાથે હરવા ફરવાનો અને સમય પસાર કરવાનો સમય, પરંતુ આજે પણ ઘણા શિક્ષકો એવા છે, જે રજાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલુ રાખે છે. આવા શિક્ષકોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય નરેશ મહેતાનો સમાવેશ થાય છે. આ વખતે તેઓએ રજાઓમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.

સુરતની શિક્ષણ સમિતિની શાળા આચાર્ય નરેશ મહેતાએ વાઈબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 8 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. તે જ સમયે આગામી શૈક્ષણિક સત્રથી સરકારે શ્રીમદ ભગવદગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં રજાઓનો સદુપયોગ કરવા અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે વિદ્યાર્થીઓને ગીતાના અધ્યાય શીખવવાનું નક્કી કર્યું છે.

વધુમાં કહ્યું હતું કે, આ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે. રજાઓ શરૂ થતાની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર દરરોજ એક કલાક વર્ગો ચલાવવામાં આવશે અને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગમાં જોડાઈ શકે છે. એક સાથે 1000 થી વધુ વિદ્યાર્થીઓને જોડીને માઈક્રોસોફ્ટ ટીમ એપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગીતાના સંસ્કારો આપવામાં આવશે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.