લગ્નેત્તર સંબંધોમાં દગો થતા પરિણિતાની આત્મહત્યા

| Updated: October 12, 2021 8:17 pm

અમદાવાદમાં નવા વાડજની એક પરિણિતાએ પ્રેમીની દગાખોરીના કારણે આત્મહત્યા કરી છે. મહિલાએ સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે તેના પ્રેમીએ માત્ર સેક્સ માણવા માટે તેનો ઉપયોગ કર્યો છે તેથી તે આત્મહત્યા કરી રહી છે.

મહિલાએ તેના પ્રેમી સામે આરોપ મુક્યો છે કે તે બીજી કેટલીક મહિલાઓ સાથે પણ સંબંધો ધરાવે છે અને તેની સાથે દગાખોરી કરી છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે નવા વાડજમાં રહેતી 34 વર્ષની પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પરિણીતાને જાણ થઈ હતી કે તેના પ્રેમીને તેના ઉપરાંત બીજી સ્ત્રીઓ સાથે પણ સંબંધ છે. પરિણીતાએ ગળાફાંસો ખાતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી કે “હું મારા બે છોકરાઓને રખડતા મુકું છું. મનીષ પ્રજાપતિ સાથે મારા ખરાબ સંબંધ હતા. 12 મહિના સુધી તે મારા મન અને શરીર જોડે રમત રમી રહ્યો હતો. તેના બીજી કેટલીય સ્ત્રીઓ સાથે સંબંધ છે.”

આત્મહત્યા કરનારી પરિણીતા તેના પતિ અને બે બાળકો સાથે રહેતી હતી. 25 સપ્ટેમ્બરની રાતે તેનો પતિ નોકરીથી ઘરે પરત આવ્યો ત્યારે દૂધ લેવા માટે ફોન કર્યો હતો. ફોન તેના દીકરાએ ઉપાડ્યો હતો અને “મમ્મી – મમ્મી” કરવા લાગ્યો હતો. જેથી શંકા જતા તેઓ તાત્કાલિક તેઓ ઘરે આવ્યા હતા. ઘરે આવીને પતિએ જોતા પત્ની ગળેફાંસો ખાધેલી હાલતમાં હતી. બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. 108 ઇમરજન્સી બોલાવતા ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પોલીસને જાણ કરતા વાડજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી હતી.

ઘરમાંથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, “હું મારા બે છોકરાઓને રખડતા મુકીને જાઉં છું, એના માટે મને માફ કરજો, મનીષ પ્રજાપતિ જોડે સંબંધ રાખીને મેં મારી જિંદગીની બહુ મોટી ભૂલ કરી. એ માણસ મારા મન અને શરીર સાથે રમત રમી રહ્યો હતો. છેલ્લા 12 મહિનાથી એની સાથે મારા સંબંધ હતા. એણે જીદ કરી હતી કે હું તને લવ કરું છું. હવે મને ખબર પડી કે એના જીવનમાં મારા જેવી કેટલીય મહિલાઓ સાથે સંબંધ છે.”

તેણે લખ્યું છે કે મારા મોતનું કારણ મનીષ છે અને તેને સજા મળવી જોઈએ. એ માણસે મને ઉલ્લુ બનાવી છે. આ મામલે વાડજ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી આરોપી મનીષ પ્રજાપતિ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Your email address will not be published. Required fields are marked *