દીકરીને જન્મ આપવો એ જાણે ગુનો હોય તે રીતે એક મહિલા સાથે તેના પતિએ એટલો અત્યાચાર કર્યો કે ત્રાસી ગયેલી મહિલા તાજેતરમાં ગુમ થઈ ગઈ છે. 32 વર્ષીય પીડીત મહિલા દામિની (ઓળખ ગુપ્ત રાખવા માટે નામ બદલ્યું છે) એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરના પુત્રી છે. તેનો પતિ ઉત્તર ગુજરાતના એક પીએસઆઈનો પુત્ર છે. દામિની પર તેનો પતિ જુલ્મ કરતો હતો અને તેને અકુદરતી સેક્સ માટે ફરજ પાડતો હોવાનો આરોપ મુકાયો છે.
દામિનીના પિતાએ ક્રિષ્નનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમની પુત્રીએ બીજી પ્રસૂતિ વખતે પુત્રને જન્મ આપ્યો હતો. છતાં તેના પરના અત્યાચારોમાં ઓટ આવી ન હતી. તેના પતિ દ્વારા તેનું માનસિક અને શારિરીક શોષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. દામિનીના માતા-પિતા કોવિડ પોઝિટિવ હતા ત્યારે પણ દામિનીને પિયર જવાની છુટ આપવામાં આવી ન હતી.
એફઆઈઆર મુજબ દામિનીના પતિને પુષ્કળ દહેજ પણ આપવામાં આવ્યું હતું. થોડા સમય અગાઉ દામિની પોતાના પિયર ગઇ ત્યારે તેની માતાને જણાવ્યું હતું કે તેનો પતિ તેને પોર્ન ફિલ્મો જોવાની અને અકુદરતી સેક્સની ફરજ પાડતો હતો.
15 જુલાઈની સવારે દામિનીના પિતાને ખબર પડી કે તે ઘરમાં નથી. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે દામિનીના રૂમમાંથી તેમને એક નોટ મળી હતી જેમાં જણાવાયું હતું કે તે તેના પતિના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહી છે.
દામિનીનો ક્યાંયથી પતો ન મળતા તેના પિતાએ દામિનીના પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સ અને અકુદરતી સેક્સની ફરજ પાડવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો મુજબ તે જ દિવસે દામિનીના પિતાને તેનો ફોન આવ્યો હતો જેમાં તેણે આત્મહત્યા કરવા માટેની વાત કરી હતી. તેનું લોકેશન સુરેન્દ્રનગર નજીક દુધરેજ કેનાલ પાસે બતાવતું હતું. તે સમયથી દામિનીનો પતો મળ્યો નથી.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ. જે. ચૌહાણે જણાવ્યું કે તેમણે હજુ સુધી કોઈ ધરપકડ કરી નથી. તેઓ હજુ મહિલાની ભાળ મેળવવા પ્રયાસ કરે છે.