પત્નીએ આત્મહત્યાનું નાટક કર્યું, પતિએ વીડિયો રેકોર્ડ કર્યો, બાળકો રડતાં રહ્યાં

| Updated: July 1, 2021 8:03 pm

અમદાવાદ/બાલાસિનોર

ગુજરાતના મહિસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે આજે એક પોલીસ સ્ટેશન બહાર આત્મહત્યાના પ્રયાસનું “નાટક” ભજવાયું હતું. એક મહિલા પોતાના પતિ અને આઠ વર્ષના પુત્ર તથા 12 વર્ષની પુત્રી સાથે પોલીસ સ્ટેશને આવી ચઢી હતી અને પોલીસ સ્ટેશનની બારીની ગ્રીલ સાથે પોતાનો દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.


આ દરમિયાન તેના બાળકો માતાને બચાવવા માટે રડતા હતા, જ્યારે તેનો પતિ આ નાટકનું વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. સ્થાનિક લોકોએ વીઓઆઈને જણાવ્યા પ્રમાણે આ મહિલાને તેના ભાઈ સાથે મિલ્કતનો ઝઘડો ચાલતો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરતી વખતે તે સ્થાનિક પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપો મૂકીને અપશબ્દો કહેતી હતી.


આઘાતની વાત એ છે કે મહિલાનો પતિ તેને અટકાવવાના બદલે સમગ્ર નાટકનું રેકોર્ડિંગ કરે છે અને સાથે સાથે કોમેન્ટરી આપીને જણાવે છે કે તેની પત્નીએ આત્મહત્યા શા માટે કરવી પડે છે.

એટલું જ નહીં, કુમળી વયના બાળકો સામે આ ગંભીર ઘટના બની રહી હતી. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ બાળકો પર આવી ઘટનાઓની બહુ અસર થતી હોય છે.

ગોધરા રેન્જના ડીઆઈજી એમ. એસ. ભરાડાએ પોલીસને આ મુદ્દાનો કામગીરી કરવા કહ્યું હતું, પરંતુ મહિલાને એટલી ઉતાવળ હતી કે તે તાત્કાલિક ઉકેલ ઇચ્છતી હતી.

ડીઆઇજી ભરાડાએ કહ્યું કે, “આ તેમનો પારિવારિક વિવાદ હતો. મેં તેમને આગળની કાર્યવાહી માટે મહિસાગરના એસપી આર. પી. બારોટ પાસે મોકલ્યા હતા. આ અંગે કોર્ટમાં કેસ પણ પેન્ડિંગ છે.”

વીડિયોમાં જોવા મળતી યુવતી અમદાવાદની છે અને તેના ભાઈ સામે મિલ્કતના વિવાદમાં ફરિયાદ દાખલ કરવા બાલાસિનોર આવી હતી. મહિલાનો આરોપ છે કે પોલીસ ભ્રષ્ટ છે અને તેની ફરિયાદ નોંધતી નથી. જ્યારે પોલીસ અધિકારીઓએ કહ્યું કે આ મામલો કોર્ટમાં હોવાના કારણે એફઆઈઆર દાખલ ન કરી શકાય.

આ વીડિયોના અંતે એક મહિલા અને સાદા કપડાંમાં એક પોલીસ કર્મચારી દોડી આવે છે અને મહિલાને આત્મહત્યા કરતી અટકાવે છે. મહિલા બૂમો પાડીને કહી રહી છે કે તે છેલ્લા ચાર કલાકથી પોલીસ સ્ટેશને આવી છે છતાં તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. આ દરમિયાન તેના 8 અને 12 વ4ષના સંતાનો નજીકની બેન્ચ પર બેસીને બૂમો પાડી રહ્યા છે તથા પોતાની માતાને આત્મહત્યા ન કરવા વિનંતી કરીને રડી રહ્યા છે.

Your email address will not be published.