બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામેલી મહિલાની કિડનીઓ, કોર્નિયા અને લિવરનું દાનઃ ગ્રીન કોરિડોરથી અંગો સુરત પહોંચાડાયા

| Updated: November 25, 2021 10:24 pm

વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં બ્રેઈન સ્ટ્રોકથી અવસાન પામેલી એક મહિલાના મહત્ત્વના અંગોનું દાન કરીને ચાર લોકોને જીવનદાન આપવામાં આવ્યું છે.

ડભોઇ ખાતે રહેતા 72 વર્ષના રમીલાબેન સલોટને બે દિવસ અગાઉ બ્રેન સ્ટ્રોક આવતા તેમના પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવ્યાં હતા. હોસ્પિટલના તબીબોએ તેમની સઘન સારવાર કરી હતી, પરંતુ તેમના મગજના જ્ઞાન તંતુઓને ગંભીર અસર થઈ હતી.

જટિલ બ્રેઈન સર્જરી કરાવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તબીબો દ્વારા આ અંગે તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સર્જરી બાદ પણ તેઓ સ્વસ્થ થશે તેની શક્યતાઓ ઘણી ઓછી હોવાથી ભાઈલાલ અમીન હોસ્પિટલના તબીબોએ પરિવારજનોને આ અંગે માહિતગાર કર્યા હતા.

સર્જરી કરાવવી કે નહીં તેનો નિર્ણય લેવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. પરિવારજનોએ તમામ બાબતોનો વિચાર કર્યા પછી સર્જરી નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ રમીલાબેનના પુત્રએ હોસ્પિટલના સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતાં ભાઈલાલ અમીન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ તબીબોએ કયા અંગોનું દાન થઈ શકે તે અંગે પરીક્ષણ શરૂ કર્યું હતું. જેમાં કિડની, લિવર અને ચક્ષુદાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા. આ રિપોર્ટના આધારે સરકાર નિયુક્ત અધિકારીઓએ સુરતના દર્દીઓને કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેવો નિર્ણય ઓર્ગન મેચના આધારે લીધો હતો.

રમીલાબેન સલોટની આંખો વડોદરાની કાશિબાઈ આઈ બેંકને દાન કરવાની સૂચના અપાઇ હતી. ગુરુવારે સવારે રમીલાબેનના લિવર, કિડની અને ચક્ષુઓને શસ્ત્રક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેઠળ ગ્રીન કોરિડોર રચી સુરતની એક હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી આંખોને વડોદરાની કાશીબાઇ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતાં.

(અહેવાલઃ સંજય પાગે)

Your email address will not be published. Required fields are marked *