ખોખરામાં ફેક્ટરીની પાણીની ટાંકીમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો

| Updated: July 6, 2021 3:37 pm

અમદાવાદના ખોખરા વિસ્તારમાં એક ગારમેન્ટ ફેક્ટરીની પાણીની ટાંકીમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીની હત્યા કર્યા પછી તેનો મૃતદેહ ટાંકીમાં નાખી દેવાયો હોય તેમ માનવામાં આવે છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના મોહન એસ્ટેટની ગારમેન્ટ ફેક્ટરીમાં બની હતી. અહીં એક છોકરાને દુર્ગંધ આવતી હોવાથી છત પર તપાસ કરવામાં આવી હતી. તેણે છત પર પાણીની ટાંકી પાસેથી એક છરી મળી આવી તથા ટાંકીની બહાર એક હાથ પણ દેખાતો હતો.

ગભરાયેલા છોકરાએ તરત દોડી જઈને માલિકને આ વિશે જાણ કરી. તરત થોડા લોકો દોડી આવ્યા અને ખોખરા પોલીસને જાણ કરી.

પોલીસ ઇન્સ્પેક્ટર વાય એસ ગામીત અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને દૂર કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ કન્ટ્રોલ મશીનનો ઉપયોગ કરીને ટાંકી કાપી નાખી હતી. યુવતીનો મૃતદેહ લગભગ ત્રણ દિવસથી ટાંકીમાં હોવાનું માનવામાં આવે છે.

ઝોન-5ના ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું કે, “ફેક્ટરીના માલિક અંકિત પટેલે પોલીસ કન્ટ્રોલ રૂમને ઘટના વિશે જાણ કરી હતી. આ ફેક્ટરી શબ્બીર નામની વ્યક્તિને ભાડે અપાઈ હતી. આ ઠંડા કલેજે કરવામાં આવેલી હત્યા છે. હજુ સુધી યુવતીની ઓળખ થઈ શકી નથી. અહીં આસપાસ કોઈ સીસીટીવી કેમેરા નથી. અમે પ્રેમ સંબંધ સહિતના દરેક પાસાની તપાસ કરીએ છીએ. અમે લોહીના ડાઘ ધરાવતી છરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે.”

Your email address will not be published.