પાડાને વાંકે પખાલીને ડામઃ સરકાર-ક્વોરી સંચાલકોની લડાઈમાં પીસાતા શ્રમજીવીઓ

| Updated: May 15, 2022 11:47 am

ગાંધીનગરઃ પાડાને વાંકે પખાલીને ડામ તે કહેવત ગુજરાત સરકાર અને ક્વોરી ઉદ્યોગ વચ્ચે ચાલતી લડાઈમાં સાચી પડી છે. છેલ્લા 15 દિવસથી ચાલતી લડાણાં ક્વોરી સંચાલકો અને રાજ્ય સરકાર બંનેમાંથી કોઈ ઝૂકવા તૈયાર નથી, પણ તેમા શ્રમજીવી પરિવારો અને ક્વોરી ઉદ્યોગ પર નભતા મધ્યમ વર્ગની સ્થિતિ ખરાબ બની છે.

સરકાર પણ આ દિશામાં સક્રિય પગલાં ભરવાના બદલે મૂક પ્રેક્ષકની જેમ તમાશો જોઈ રહી છે. પણ કોઈ કાર્યવાહી કરતી નથી. ગુજરાતની ત્રણ હજાર ક્વોરીઓ પહેલી મેના રોજથી તેમના 17 પ્રશ્નોને લઈને હડતાળ પર છે. આના લીધે સરકાર અને ખાનગી વિકાસના યુદ્ધના ધોરણે ચાલતા કામો બંધ થઈ ગયા છે. તેના લીધે કપચી મળવાની સદંતર બંધ થઈ ગઈ છે.

રાજ્ય સરકારને પણ રોયલ્ટી પેટે મળતી કરોડોની આવક બંધ થઈ ગઈ છે. આમાં ક્વોરી સંચાલકો પણ કરોડોની ખોટ ખમી રહ્યા છે. કોઈની પણ સ્થિતિ સારી નથી. ધ્ય ગુજરાતમાં ખેડા, મહીસાગર પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લામાં આવેલ 180 જેટલી ક્વોરીઓમાં કામ કરતાં શ્રમજીવી પરિવારો ઉપરાંત ડમ્પરના ડ્રાઈવરોની હાલત કફોડી અને દયનીય થવા પામી છે.

સરકાર અને ક્વોરી સંચાલકોની લડાઈમાં શ્રમજીવી વર્ગ પિસાઈ રહ્યો છે. તેઓને માત્ર આ કારમી મોંઘવારીમાં પરિવારના પેટના ખાડો પૂરવાની ફિકર છે. તેઓ જણાવે છે કે માત્ર 15 દિવસમાં મજૂરી કામ બંધ થઈ જવાથી અમારી કમર ભાગી ગઈ છે. અમો મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકો છે. નવી રોજી આપી ન શકો તો કંઈ નહીં પરંતુ અમારી જે રોજી છીનવાઈ છે તે પરત કરો.

જો કે આ વખતે ક્વોરી ઉદ્યોગના માલિકોની મક્કમતા જોતા આ હડતાળનો જલ્દી અંત આવે તેમ લાગતું નથી. મધ્ય ગુજરાત ક્વોરી એસોસિએશનના પ્રમુખ અમિત સુથારે જણાવ્યું હતું કે 15દિવસ સુધી અમારા ક્વોરી સંચાલકોએ ધીરજ રાખીને મજબૂતીથી સજ્જડ બંધ રાખ્યું છે. તે જોતા એસોસિએશનનો જોમ અને જુસ્સો વધુ મજબૂત બન્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો કેટલાય કુટુંબો રોડ પર આવી જશે તેમ માનવામાં આવે છે. તેથી સરકાર આ દિશામાં સક્રિય બનીને કોઈ નિર્ણય લે અને પ્રશ્નો ઉકેલે તેવી દરેક પક્ષકાર વિનંતી કરી રહ્યો છે.

Your email address will not be published.