વર્લ્ડ બેંક દ્વારા સુરત મનપા અધિકારીઓને વિદેશ ટુર માટે આમંત્રણ

| Updated: April 27, 2022 2:42 pm

સુરત શહેરમાં તાપી નદીના બન્ને કાંઠે બનનાર તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર સહિત ચાર અધિકારીઓની ટીમ આગામી દિવસોમાં નેધરલેન્ડ અને સ્પેન ખાતે સ્ટડી ટુર માટે જવાની છે. જે માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

વર્લ્ડ બેંક દ્વારા સ્ટડી ટુરમાં સુરત મનપાના અધિકારીઓને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે, સામાન્ય સભા અને રાજ્ય સરકારની મંજુરીની ઔપચારિકતા બાદ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ત્યાં સાકાર થયેલ રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સ્ટડી ટુર અને સ્થળ મુલાકાત લેવામાં આવશે. હાલમાં જ વર્લ્ડ બેંકના પ્રતિનિધિ દ્વારા આગામી 29 મેથી 5 જુન સુધી નેધર લેન્ડ અને સ્પેન ખાતે સ્ટડી ટુરમાં ભાગ લેવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની સહિત ચાર અધિકારીઓને આમંત્રણ મોકલવામાં આવેલ છે.

સુરત શહેરમાં તાપી નદીના કાંઠે અંદાજે ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનાર તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજયુવીનેશન પ્રોજેક્ટના અમલીકરણ માટે આ વિદેશ યાત્રા ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જે અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગર પાલિકાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો પૈકીના એક રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક પાસેથી લોન મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ આ વિદેશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. જેમાં નેધર લેન્ડ અને સ્પેનમાં સાકાર થયેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાત સાથે તેના અભ્યાસ માટે કમિશનર સહિતની ટીમને સ્વયં વર્લ્ડ બેંક દ્વારા જ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.