સમગ્ર વિશ્વમાં 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે.મેલેરિયા દિવસ એક ખાસ થીમ સાથે મનાવવામાં આવે છે અને આ વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને(ડબલ્યુએચઓ) મેલેરિયાનો રોગચાળો ઘટાડવા અને લોકોની જિંદગી બચાવવા થીમને “હાર્નેસ ઇનોવેશન ટુ રિડ્યુસ ધી મેલેરિયા ડિસીઝ બર્ડન એન્ડ સેવ લાઇવ્સ” નામ આપ્યું છે.
ડબલ્યુએચઓએ મેલેરિયાને કાબુમાં લેવા માટે વધુ રોકાણ કરીને નવા અભિગમો, ડાયગ્નોસ્ટિક્સ, મલેરિયા વિરોધી દવાઓ અને અન્ય સાધનો પર ભાર મુક્યો છે.
મેલેરિયા દિવસનું મહત્વ એટલા માટે વધી જાય છે કેમકે સારવારથી મટે તેવો રોગ હોવા છતાં તે દુનિયાભરના લોકોની આજીવિકા પર ઘાતક અસર કરે છે. ડબલ્યુએચઓનાં આંકડા કહે છે કે, 2020માં 85 દેશોમાં મેલેરિયાના લગભગ 2.41 કરોડ નવા કેસો નોંધાયા હતા અને 6,27,000 લોકોનાં મેલેરિયાથી મોત થયા હતા. એટલું જ નહીં પરંતુ આફ્રિકન દેશોમાં બે તૃતીયાંશ કરતાં વધુ મૃત્યુ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં નોંધાયા છે. આ આંકડા એ હકીકત દર્શાવે છે કે 2000 થી 2015 દરમિયાન અનેક પ્રયાસો અને કેટલીક સફળતા છતાં મેલેરિયાને નાથવાની ગતિ અને ખાસ કરીને જ્યાં તેનો પ્રકોપ વધારે છે તેવા સબ-સહારન આફ્રિકાના દેશોમાં ધીમી છે.
વિશ્વ મેલેરિયા દિવસના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 2007માં ડબ્લ્યુએચઓએ તેનાં 60માં વર્લ્ડ હેલ્થ એસેમ્બલી સેશનમાં આફ્રિકા મેલેરિયા દિવસને બદલે વિશ્વ મેલેરિયા દિવસ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.આફ્રિકનાં દેશોની સરકાર 2001થી આફ્રિકા મેલેરિયા દિવસ મનાવતી હતી.
મેલેરિયા સામેની વૈશ્વિક લડાઈ માટે વધુ જાગૃતિ લાવવા અને સમગ્ર વિશ્વમાં મેલેરિયાના ઉપદ્રવને જાણવા માટે આ પગલું લેવમાં આવ્યું હતું. મેલેરિયાનો જીવલેણ રોગ પ્લાઝમોડિયમ નામના પેરેસાઇટ દ્વારા ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. જ્યારે મચ્છર કરડે છે ત્યારે લોહીમાં પ્લાઝમોડિયમ ભળે છે અને મેલેરિયા થાય છે.