સુરતમાં વિશ્વનું વિશાળ કોર્પોરેટ ડાયમંડ બુર્સ તૈયાર; 5 જુને કરાશે ગણેશ સ્થાપના

| Updated: May 23, 2022 10:16 am

વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતમાં (Surat)  તૈયાર થઇ ગયું છે. 5 જૂને આ સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે.

લગભગ 100 ટકા કામ થઈ ગયું હોવાથી મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે. સાથે સાથે કોઈ સભાસદને કોઈ પ્રશ્ન હશે તો તે પણ પુછી શકશે.

ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે, જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ આ પ્રોજેક્ટમાં જોવા મળશે.

સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ હબ રહેશે. આ રેકોર્ડ અત્યાર સુધી શિકાગોના વિલિસ ટાવર પાસે હતો. જેનું ક્ષેત્રફળ 4,16,000 ચોરસ મીટર છે. વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફા પણ બુર્સથી પાછળ રહી જશે. સુરત ડાયમંડ બુર્સનાં ડ્રીમ સિટીમાં હીરા વેપારીની સાથે અન્ય નાગરિકો માટે રહેવાની સુવિધા તેમજ આવાસ કોલોનીને બનાવવામાં આવશે.

5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2022 સુધીમાં નિર્માણ પુરું થયું છે. ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે

સુરત (Surat) ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી કહે છે કે, ‘ડાયમંડ બુર્સના નિર્માણનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે. ત્યારે તમામ સભ્યો એક સાથે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી તકે ડાયમંડ બુર્સ શરૂ થાય તેવા પ્રયત્નો અમે કરી રહ્યાં છીએ.’

હાલમાં સુરતના હીરા ઉદ્યોગનો એક્સપોર્ટ વાર્ષિક 1.50 લાખ કરોડનો છે. સુરત ડાયમંડ બુર્સના બની ગયા પછી આ આંકડો વધી જશે અને ખરીદ-વેચાણમાં ફાયદો થશે.

આ પણ વાંચો: અમદાવાદ: ઈસ્કોન-આંબલી રોડ પર પાછલા વર્ષમાં 1,500 કરોડના જમીન વ્યવહારો નોંધાયા

Your email address will not be published.