એક વર્ષ બાકી, પરંતુ ત્રિપાંખીયા ચૂંટણીજંગ માટે ગુજરાત અત્યારથી સજ્જ

| Updated: October 13, 2021 12:22 pm

જો ચૂંટણી આગળ ઠેલીને માર્ચ-એપ્રિલમાં, ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે કરવાની અટકળો સાચી ના પડે તો ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના નિર્ધારિત સમયમાં હજુ તો એક વર્ષની વાર છે, છતાં ભાજપ, કોંગ્રેસ તેમજ ગંભીર દાવેદાર તરીકે ઉભરી આવેલ આપ પાર્ટીએ અત્યારથી તૈયારીના શ્રીગણેશ માંડી દીધા છે.

અત્યારના સંજોગોમાં જોકે કોંગ્રસ બિસ્માર હાલતમાં છે અને આમ આદમી પાર્ટી પોતાનું બળ કોંગ્રેસને વધુ નબળી પાડવામાં લાગેલી છે ત્યારે મુખ્યમંત્રી સહિત તેના તમામ મંત્રીઓને બદલી નાખીને નવુંનક્કોર મંત્રીમંડળ લઇ આવનાર ભાજપનો હાથ ઉપર હોય એવું જણાય છે.

” દો ગજ દુરી” ની સલાહોને તડકે મૂકીને અને કોવિડ-19 મહામારીની સમાપ્તિ થઇ ગઈ છે એવું માની લઈને, શબ્દાર્થમાં પોતાના માસ્ક “મોહરા” હટાવી દેનારી રાજકીય પાર્ટીઓ શું કરી રહી છે એની તાજી ખબર વાઈબ્સ ઓફ ઇન્ડિયા અહીં આપે છે.

સમય સાથે હરીફાઈ કરતુ ભાજપ

ફેબ્રુઆરીથી શ્રેણીબદ્ધ ચૂંટણીઓમાં જીતથી ઉત્સાહિત અને સમગ્ર વિજય રૂપાણી કેબિનેટને હટાવવાના કારનામામાં પોતાની મહત્વની ભૂમિકા હોવાના કારણે, ગુજરાત ભાજપના વડા સી.આર. પાટિલનું વજૂદ વધ્યું છે. ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં પોતાના દક્ષિણ ગુજરાત પ્રદેશના ધારાસભ્યોને નાણાં અને ગૃહ સહિતના સારા મંત્રાલયો અપાવવાની સુનિશ્ચિત કરીને પોતાના સંચાલન માં વધુ અધિકાર આણ્યો છે.

તેને અહંકાર કહો કે આત્મવિશ્વાસ કહો, પાટીલે મંગળવારે જાહેરાત કરી હતી કે 2022 ની ચૂંટણીમાં હાલ છે એવા 100 ધારાસભ્યોને ફરી ઉમેદવારીની તક આપવામાં નહિ આવે. હિંમતનગરમાં એક પાર્ટી ફંક્શનમાં, તેમણે સૌની જાણ માટે કહ્યું: “મારી પાસે ભલામણો લઈને ન આવશો , કામ કરીને બતાવો અથવા પડતી માટે તૈયાર રહો . ”

આ તો બીજેપી છે, જેણે અનુમાનિત રીતે પૂર્વ મુખ્યમંત્રી અને તેમની ટીમના કારણે બગડતી જતી છાપને સુધારીને, પૂર્વવત્ કરવા માટે આત્યંતિક પગલાં લીધા – એટલી હદ સુધી કે આખા મંત્રીમંડળના એકેએક સભ્યને ઘરભેગા કરી દેવામાં આવ્યા.

આ મહિનાની શરૂઆતમાં 44 માંથી 41 બેઠકો સાથે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીની મોટી જીત પછી, સીઆર પાટીલે તો ત્યાં સુધી કહ્યું કે, “મંત્રાલય બદલવાની વ્યૂહરચના ભાજપને ફળી.” તે અલગ બાબત છે કે માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્યમંત્રીપદ હેઠળ યોજાયેલી સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં પણ ફેબ્રુઆરીમાં ભાજપે ભારે જીત મેળવી જ હતી.

સૂત્રો જણાવે છે કે શહેરી વિસ્તારો ભાજપના ગઢ છે જ, ત્યારે પાર્ટી હવે ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં કોંગ્રેસ પાર્ટીનો વધુ સારો આધાર દેખાય છે.

ગુજરાતના નવા પ્રભારી કોંગ્રેસમાં આશાનું કિરણ ?:

નિરાશાજનક વિલંબ પછી, કોંગ્રેસ હાઇકમાન્ડે કોવિડ-19નો ભોગ બનનાર સ્વર્ગસ્થ રાજીવ સાતવના સ્થાને ગુજરાતના નવા પ્રભારીની નિમણૂક કરી છે, પાર્ટીએ આ જવાબદારી માટે, જેમને રાજસ્થાનમાં કોવિડ પરિસ્થિતિના અસરકારક સંચાલનનો શ્રેય આપવામાં આવ્યો છે અને ખાસ તો જે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના વિશ્વાસુ ગણાય છે તે,રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માનું ચયન કર્યું છે. ગેહલોતે પોતે ડિસેમ્બર 2017 ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના તેજસ્વી પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવી હતી.

કોંગ્રેસ પાર્ટીને હવે અમિત ચાવડા અને પરેશ ધાનાણીની જગ્યાએ અનુક્રમે નવા પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મળવાની આશા છે. પાર્ટીની ચૂંટણીની હારને પગલે તેઓએ અગાઉ ત્રણ વખત રાજીનામું આપ્યું હતું, પરંતુ શીર્ષ નેતૃત્વ દ્વારા એને લાંબા સમય સુધી મંજુર કરાયું ન હોવાથી તેના ગુજરાત એકમ અસ્થિર થઇ ગયું હતું.

સામાન્યતયા સરળ અને મિલનસાર રઘુ શર્મા પાયાના કાર્યકરમાંથી આટલે પહોંચ્યા છે એટલે પાર્ટીને અપેક્ષા છે કે તે ગતિ લાવશે.. શર્માએ પાર્ટીને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે કે ભાજપ પર હુમલો કરવા માટે ગુજરાતમાં મુદ્દાઓની કોઈ અછત નથી પરંતુ પહેલી પ્રાથમિકતા પોતાનું ઘર વ્યવસ્થિત કરવાની છે. કોંગ્રેસ દલિત નેતા જીગ્નેશ મેવાણી સાથે તેના પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે હાથ મિલાવીને યુવાશક્તિ મેળવવાની આશા રાખે છે જેમનામાં પક્ષના અભિયાનને આવશ્યક આક્રમકતા આપવાની ક્ષમતા છે

આમ આદમી પાર્ટીને આવે છે વિજયની સુવાસ

44 બેઠકો માટેથયેલી તાજેતરની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 21.77% વોટ શેર મેળવીને આમ આદમી પાર્ટીનો હોસલો રાજ્ય કક્ષાએ હરણફાળ ભરવાની તક જોઈને બુલંદ છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક જ સીટ જીતી હોવા છતાં, સફળતાપૂર્વક કોંગ્રેસના માર્ગમાં રોડા ઉભા કરી શકી છે.

2016 માં કોંગ્રેસનો મત હિસ્સો 46.93% હતો તે ઘટીને આ વખતે આ વખતે બે બેઠકો સાથે, 28.02% થયો છે. ભાજપના 46.89% ની સામે કોંગ્રેસ અને AAP નો સંયુક્ત વોટ શેર 49.79% જેટલા છે.

આપ પાર્ટીએ ફેબ્રુઆરીમાં સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને કોંગ્રેસનો સફાયો કર્યા બાદ આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ઉત્સાહિત છે. તેમણે પાર્ટીના સમગ્ર ગુજરાત યુનિટની એક બેઠક બોલાવીને સુરતના તમામ 27 કાઉન્સિલરોને સપ્તાહની શરૂઆતમાં નવી દિલ્હી બોલાવ્યા હતા. ગુજરાત માં આપને એક મોટી તક છે તેમ કહીને કેજરીવાલે ત્યાં સુધી કહ્યું કે આપ પાસે નાણાં નથી, પણ તમે લોકો આપને જકડી રાખજો અને ભવિષ્ય પર ભરોસો રાખો. એમણે કાઉન્સીલરોને વેચાઈ ન જવાની હિદાયત પણ આપી

જો કે ગુજરાતમાં ત્રીજો મોરચો આ અગાઉ ક્યારેય સફળ થયો નથી અને AAP પાસે રાજ્ય કક્ષાનું નેટવર્ક કે અસરકારક નેતૃત્વ નથી તેમ છતાં જો કોંગ્રેસ પોતાના કામકાજની ઢબ ન સુધારે તો આપ કોંગ્રેસનું મોટું નુકશાન કરી શકનાર પુરવાર થશે. કોંગ્રેસ તેને ભલે ભાજપની ‘બી’ ટીમ કહતી હોય, પરંતુ AAP તો માત્ર મુખ્ય વિપક્ષી પાર્ટી દ્વારા છોડી દેવામાં આવેલ મેદાનમાં પ્રવેશ કરી રહી છે.

Your email address will not be published. Required fields are marked *