નિકોલમાં પરિણીત મહિલા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પરિવારે ઢોર માર માર્યો

| Updated: May 23, 2022 9:55 pm

નિકોલમાં મૈત્રી કરાર પર રહેતા યુવક અને યુવતી રાત્રીના સમયે ઘરે હાજર હતા. યુવતીના પિતા અને કાકા ચાર અજાણ્યા માણસો સાથે આવ્યા હતા અને યુવક અને યુવતીનું અપહરણ કરી અજાણી જગ્યાએ લઈ ગયા હતા. યુવકને બેઝબોલની સ્ટીક અને લોખંડની હથોડીથી માર માર્યો હતો. જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.

નિકોલના આમ્રપર્ણ આવાસ યોજનામાં રહેતા પાર્થે વર્ષ 2018માં દિપીકા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો બાદમાં બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. દિપીકાના પતિ સાથે તેને મનમેળ ન હતો તેથી પાર્થ અને દિપીકા મૈત્રી કરાર કરીને નિકોલ ખાતે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન ગઇ કાલે રાતના સમયે પાર્થ અને દિપીકા ઘરે હાજર હતા ત્યારે દિપીકાના પિતા અરજણભાઈ, કાકા રમેશ બીજા ચાર અજાણ્યા શખ્સો સાથે આવ્યા હતા. પાર્થ અને દિપીકાને માર માર્યો હતો.

બાદમાં આ બન્નેનું અપહરણ કરીને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતા જ્યાં દિપીકાના પિતાએ પાર્થને બેઝબોલના દંડાથી ઢોર માર મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. ઇજાઓ થતાં પાર્થ બેભાન થઈ ગયો હતો. દિપીકાને તેના પિતા સાથે લઇ જતા રહ્યા હતા. આસપાસના લોકોએ પાર્થને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, યુવકનો મોબાઇલ પણ આરોપીઓ લઇ ગયા હોવાનું બહાર આવ્યું છે.

Your email address will not be published.