દ્વારકાના દરિયામાં નહાવા ઉતરેલા મહેસાણાનો તરુણ ડૂબ્યો

| Updated: June 7, 2022 7:33 pm

દ્વારકામાં મહેસાણાથી આવેલા પરિવારના ત્રણ સદસ્યો દરિયામાં નહાવા ઉતરતા તે પૈકી બે દરિયાના પાણીમાં ડૂબવા લાગતા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 15 વર્ષીય એક તરુણ લાપતા બનતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ગઈકાલે દ્વારકા દર્શનાર્થે આવેલા એક પરિવારના કાકા-ભત્રીજા, ભાણેજના કુલ પાંચ પરિવારજનો પૈકીના ત્રણ સદસ્યો આજરોજ સવારના આશરે અગિયારેક વાગ્યાના સમયે દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં આવેલા દરિયામાં નહાવા માટે ઉતર્યા હતા. જ્યારે અન્ય બે પરિવારજન દરિયાકાંઠે સામાનનું ધ્યાન રાખવા બેઠા હતા.

આ દરિયાના પાણીમાં કરંટ હોવાથી એક યુવાન તથા એક તરુણ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓએ યુવાનને બચાવી લીધો હતો. જ્યારે તેની સાથે પડેલા કાર્તિકસિંહ લાલસિંહ દરબાર નામનો 14 વર્ષીય એક તરુણ પાણીમાં લાપતા બની ગયો હતો. આ તરુણની શોધખોળ કરવા માટે દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમ તાકીદે આ સ્થળે પહોંચી હતી અને તેની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. જો કે મોડી સાંજ સુધી સુધી તેનો પત્તો લાગ્યો ન હતો. આ તરુણની ભાળ મેળવવા માટે દ્વારકાની ફાયર ટીમ તથા રેસ્ક્યુ ટીમ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવ બનતા કાકા સાથે આવેલા 14 વર્ષીય કાર્તિકસિંહના માતા-પિતા મહેસાણાથી દ્વારકા આવવા માટે રવાના થઇ ગયા છે.

પોલીસ દ્વારા પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવે યાત્રાળુઓ તથા કાર્તિકસિંહના પરિવારજનોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી.

( અહેવાલ: રિશી રૂપારેલિયા )

Your email address will not be published.