કોવીડ ગાઈડલાઈનના ધજાગરા: સુરતમાં ડીજે અને નાઈટ પાર્ટીઓમાં યુવાઓ મસ્ત!

| Updated: September 28, 2021 8:13 am

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને કોવીડ જ્યારે ફરીવાર માથું ઉચકી રહ્યો છે ત્યારે ડાયમંડ સીટી ગણાતા સુરત શહેરમાં ડીજે અને નાઈટ પાર્ટીઓનું ચલણ વધી રહ્યું છે. સોમવારે ડુમસ રોડના રઘુવીર મોલમાં યોજાયેલી પાર્ટીના વીડિયો વાઇરલ થયા છે. આવી ડીજે અને નાઈટ પાર્ટીઓને લઈને સુરત પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. સુરત પોલીસ આવી પાર્ટીઓ ઉપર અંકુશ લગાવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.

ડુમસ વિસ્તારમાં ડીજે નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રીત થયા હતા, પરંતુ આ પાર્ટીમાં કોવીડ પ્રોટોકોલનું પાલન ક્યાય દેખાતુ નહતું. એક પણ યુવક કે યુવતીના ચહેરા ઉપર માસ્ક ન હતું અને સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડી રહ્યા હતા. ડીજેના તાલે નબીરાઓ ડાન્સના તાલે બેફામ ઝુમી રહ્યા હતા.

સુરતના પોશ વિસ્તારોમાં સતત ડીજે અને નાઈટ પાર્ટીઓનું બેરોકટોક આયોજન થઈ રહ્યું છે. જો કે સુરત પોલીસને તેનાથી જાણે કોઈ ફરક ન પડતો હોય તેમ લાગી રહ્યું છે.અગાઉ 25મી તારીખે પીપલોદના રેસ્ટોરન્ટમાં ડીજે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે આયોજક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પીપલોદના કારગીલ ચોક ખાતે બેંકવેટ હોલમાં રાત્રે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 કરતાં વધુ યુવાઓ સામેલ હતા. એક યુવતીએ વીડિયો અપલોડ કરતાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

Your email address will not be published. Required fields are marked *