અમદાવાદના પાલડી વિસ્તારમાં નજીવી બાબતે યુવકો પર ટોળુ તૂટી પડ્યું

| Updated: October 12, 2021 5:43 pm

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને મદરેસામાં તાલીમ લઈને પરત ફરી રહેલા બે યુવાનોએ સામેથી આવતી બાઈકથી એકટીવા ટકરાતા બંને યુવાનો નીચે પટકાયા હતા. આ ઘટના બાદ ઉલટા ચોર કોટવાલને દંડે તેમ ભીડ એકત્ર થઈ ગઈ અને બંને યુવકને ઢોર માર માર્યો હતો. એકાએક જ લોકોએ બુમાબૂમ કરી ટોળુ ભેગુ થઇ જતા યુવકોને ગડદા પાટુનો માર માર્યો હતો.

સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો પાલડી ખાતે રહેતા મુફ્તી અબ્દુલ કૈયુમ રંગરેઝનો પુત્ર ખીઝર અને તેનો ભાઈ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા. વિશ્વકુંજ રોડ ખાતે એક બાઇક સવાર સામેથી બાઇક પર પોતાની પત્ની અને બાળક સાથે આવી રહ્યો હતો ત્યારે ભાવેશે સાઈડ લાઈટ ચાલુ કર્યા વગર અચાનક જ યુટર્ન મારતા એક્ટિવા અને બાઇક અથડાયા હતા. જે બાદ બાઇક સવારની પત્નીએ બુમાબુમ કરી લોકોની ભીડને ભેગી કરી હતી અને ભેગા થયેલા ટોળાએ બન્ને યુવકોને માર માર્યો હતો. જોતજોતામાં વધારે ભીડ થઈ ગઈ હતી જ્યાં ભીડે સમજ્યા જાણ્યા વગર જ યુવકોને  માર મારવાનું ચાલુ કરી દીધું હતું. ટોળામાંથી કેટલાક કટ્ટરવાદી લોકોને ઉંમર અને ખીઝરને ઠોર માર મારતા ઉંમર નામનો યુવક બેભાન થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી મામલો થાળે પડ્યો હતો.

હુમલામાં ઘાયલ બંને યુવકોને સારવાર માટે જમાલપુર સિફા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ એક યુવકની હાલત ગંભીર છે. જયારે પોલીસે આ મામલે સીસીટીવી કબ્જે કરી ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર મામલે પીડિતના પરિવારને ફોન કરી જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા હાલ પરિવારજનોએ આ મુદ્દે કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો છે. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે તેઓ સીસીટીવીને આધારે બાઇકચાલક વિશે પૂછપરછ કરી રહયા છે. ટોળા કોણે એકત્ર કર્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Your email address will not be published. Required fields are marked *