અમદાવાદ એરપોર્ટ પરથી 14 આઈફોનની દાણચોરી કરતા એક યુવક ઝડપાયો

| Updated: October 12, 2021 10:43 am

વિદેશથી દાણચોરી કરવા માટે લોકો નવા નવા આઈડિયાઓ અજમાવતા હોય છે અને ખાસ દુબઈથી આવતા લોકો ફોન અને સોનાની દાણચોરી કરવા નવા પેતરાઓ કરે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવકને 14 આઈફોન13 સાથે કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો છે. આ યુવક આઈફોન 13 ઝભ્ભામાં બનાવેલ ખાસ ખિસ્સામાં રાખીને લાવ્યો હતો.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઇથી આવેલા પેસેન્જર ઇમિગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ પોતાનો લગેજ લેવા માટે આગળ વધ્યો હતો. જ્યા આ પેસેન્જરની શંકાસ્પદ હિલચાલ અને તેમજ નજર પણ સામાન્ય ન લાગતા કસ્ટમના અધિકારીઓને શંકા ગઇ હતી. આ પેસેન્જર કસ્ટમ તરફ આગળ વધતો હતો ત્યારે તેને કસ્ટમના અધિકારીઓએ અટકાવી પૂછપરછ કરવામાં અવી હતી. આ દરમિયાન તેના લગેજ ખોલી ચેક કરવામાં આવતા તેમાં કશુ મળ્યું ન હોતું, પરંતુ પેસેન્જરને મેટલ ડિટેકટરમાંથી ચેક કરતા બીપ અવાજ આવતા તેમની પાસે કંઇ છુપાવ્યું હોવાનું જણાવતા તેણે ઇનકાર કર્યો હતો. જ્યારે કસ્ટમ અધિકારીઓએ આ પેસેન્જરની શંકાસ્પદ લાગતા તેની તપાસ કરતા ઝભ્ભાની અંદર ગોઠવણ કરીને 14 આઇફોન સંતાડેલા મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

કસ્ટમના જણાવ્યા મુજબ પહેરેલા ઝભ્ભાની અંદર બનાવેલા ખિસ્સામાંથી 14 આઇફોન મળી આવ્યા હતા. જેમાં 8 આઇફોન 12 અને 6 આઇફોન 11 પ્રો-મેક્સ હતા, જેની કુલ કિંમત રૂ. 7.54 લાખ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ દુબઈથી આવેલા બે પેસેન્જર પાસેથી 12 લાખનું સોનું પકડાયું હતું. કુવૈતથી આવેલા એક પેસેન્જર પણ દાણચોરીમાં પકડાયો હતો.

કસ્ટમના નિયમ મુજબ મુસાફર પોતાની સાથે ડ્રગ્સ, હથિયાર, ગોલ્ડ અને વિદેશી ચલણ લાવી શકાતા નથી.આ ઉપરાંત મુસાફર કોઇ પણ પ્રકારનો સામાન રૂ. 50 હજાર કરતા વધારેની કિંમતનો હોય તો તેની ઉપર 38 ટકા કસ્ટમ ટેક્સ ભરવો પડે છે, પરંતુ જો કોઇ વ્યક્તિ એક કરતા વધારે મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવે છે તો તે કોમર્શિયલ ઉપયોગ માટે લાવતા હોવાથી તે વસ્તુઓને ડિટેન કરી લેવામાં આવે છે. આમ મુસાફર પોતાની સાથે એક આઇફોન લાવી શકે છે, પરંતુ તેના ઉપર 38 ટકા ટેક્સ ભરવો પડે છે.

Your email address will not be published. Required fields are marked *