લગ્નમાં મિત્ર બનેલા યુવકે 14 વર્ષીય સગીરાને સ્કુલેથી હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

| Updated: August 4, 2022 8:16 pm

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં રહેતી 14 વર્ષીય સગીરાને લગ્નમાં મળેલા યુવક સાથે મિત્રતા થઇ હતી. સગીરાને બદનામ કરવાની ધમકી આપી સગીરાને તે હોટલમાં લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, વસ્ત્રાલમાં 39 વર્ષીય મહિલા તેના પતિ, બે દિકરી અને એક દિકરા સાથે રહે છે. ગત મંગળવારે બપોરના સમયે 14 વર્ષીય સગીર દિકરી સ્કુલેથી ઘરે આવી ન હતી. જેથી પરિવારના સભ્યોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં સગીરા વસ્ત્રાલની એક સોસાયટી પાસેથી મળી આવી હતી. પરિવારે તેની સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યુ હતુ કે, એક વર્ષ પહેલા મેસર ખાતે લગ્નમાં ગયા હતા. જ્યા હાર્દિક પંચાલ નામનો યુવક મળ્યો હતો. તેની સાથે સંપર્ક થયો અને બાદમાં મોબાઇલ પર મેસેજ કરતો અને જવાબ નહી આપે તો તને બદનામ કરી દઇશ તેવી ધમકી આપતો હતો. જેથી ડરના કારણે સગીરા જવાબ આપતી અને વાતચીત કરતી હતી.

તેણે સ્કુલના સમયે આર્કેડ મોલ પાસે મળવા બોલાવી હતી. જેથી સગીરા તેને મળવા ગઇ અને હાર્દિક તેને એક હોટલમાં લઇ ગયો હતો. આ હોટલમાં હાર્દિકનો એક મિત્ર પહેલેથી જ હોટલમાં હતો. તેને સગીરાને જણાવ્યુ કે, તારી કોઇ ઉંમર પુછે તો તારે 22 વર્ષ કહેવાનું. બાદમાં હાર્દિક સગીરાને લઇને હોટલમાં ગયો અને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જાણ કરી તો જાનથી મારી નાખીશ અને ધમકી પણ આપી હતી. આ અંગે સગીરાએ તેની માતાને જાણ કરી હતી. આખરે તેની માતાએ પોલીસને જાણ કરી હતી.

Your email address will not be published.