બોટાદમાં લઠ્ઠાકાંડને કારણે 57 લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા રોડ પર વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ દ્વારા નકલી દેશી દારુની પોટલી બનાવી રોડ પણ ઉછાળી હતી. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી હકી. બીજી બાજુ યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુતાળાનું દહન કરી રાજીનામું આપવાની માંગ કરી હતી.
બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજકારણ ગરમાયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે પૂતળા દહન કરવામાં આવ્યું હતું. લઠ્ઠાકાંડ ઘટનાને લઈ યુથ કોંગ્રેસ દ્વારા જણાવ્યું કે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ તમામ ઘટના પાછળ જવાબદાર છે. રાજયમાં ઘણી વાર કરોડો રુપિયાનો ડ્રગ્સ પણ પકડાયું છે. તો બીજી બાજુ ઘણી જગ્યાઓ પર દારુના અડ્ડાઓ પણ ચાલી રહ્યા છે પરતું પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ગુજરાત યુનિવર્સિટીની બહાર NSUIના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને લઈ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ શરુ કરે તે પહેલા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.