સવાયો ગુજરાતીઃ લંડનમાં લોક સંસ્કૃતિના ડંકા વગાડતો કલાકાર, પાર્લે પટેલ

| Updated: June 26, 2021 4:11 pm

જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આમ તો વિદેશની ધરતી પર અનેક સવાયા ગુજરાતીઓએ ડંકા વગાડ્યાં છે, પણ આ યાદીમાં પાર્લે પટેલ એટલે એક એવું નામ જેણે ગુજરાતના ગરબા લંડનમાં ગાયા છે. એટલું જ નહીં, તેમણે ગુજરાતી ફોક અને ફ્યુઝન સાથે લોકસંગીતને સાત સમંદર પાર ગૌરવ અપાવ્યું છે. મૂળ ગુજરાતી પણ લંડનમાં જન્મેલા પાર્લે પટેલ કહે છે કે, “હું ગુજરાતીઓ કરતા પણ વધારે સવાયો ગુજરાતી છું.” 

કાઠિયાવાડી બોલી અને શુદ્ધ ઉચ્ચારણ પરથી એવું જ લાગે કે, પાર્લેએ ગુજરાતમાં જન્મ લીધો હશે. લંડનના બીબીસી નેટવર્ક પર પોતાનું પર્ફોમન્સ આપી ચૂકેલા કાઠિયાવાડી બોય પાર્લે પટેલ જ્યાં જાય છે ત્યાં ગુજરાતના મૂળ અને કાઠિયાવાડી સંસ્કૃતિને જીવંત રાખે છે. ગુજરાતી એટલે વ્યાપારી કળા, મનમાં વ્યાપાર અને સોદા, ખાખરા અને અથાણા પ્રેમી. પાર્લે પટેલ પણ આપૈકી એક છે.

પાર્લેએ ઉમેર્યું કે, “માતા-પિતા મૂળ કેન્યામાં જન્મેલા પણ 70ના દાયકામાં તેઓ લંડન શિફ્ટ થયા અને ત્યાં જ સ્થાયી થયા. પાર્લેના દાદા-દાદી મૂળ ગુજરાતના ચરોતરના. લંડનમાં જન્મેલા પાર્લે એમની પહેલી પેઢી. આવી વિવિધલક્ષી ઓળખ ઝડપથી ગળે ન ઊતરે. સતત વિરોધાભાસી લાગ્યા કરે. પણ લંડન મારી માતૃભૂમિ છે. છતાં હું મૂળથી ભારતીય છું અને આ વાત હું ગર્વથી સ્વીકારૂ છું”

પોતાના નામનો અર્થ સમજાવતા પાર્લે કહે છે કે, “પાર્લેનો અર્થ થાય છે બોલવું. કોઈ ગુજરાતી શબ્દના નામ કરતા મેં આ નામ પસંદ કર્યું છે. હું મારા માટે આ નામ લખવા માગતો હતો. આ માટે હું જ મને સમર્થન આપતો હતો. ઘણા બધા ગુજરાતીઓ, કચ્છીઓ તથા સૌરાષ્ટ્ર પ્રાંતના ગુજરાતીઓ જ્યારે બ્રિટિશરોએ મોંબાસાથી કિસુમુની રેલવે લાઈન શરૂ કરી ત્યારે આફ્રિકાથી લંડન શિફ્ટ થયા છે. કેન્યાના ગુજરાતીઓનું કાઠિયાવાડી ઉચ્ચારણ એમની ઓળખ સમાન છે. એમાં મારો પણ સમાવેશ થાય છે. મેં જ્યારે વીડિયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે, મારા ઉચ્ચારણ પણ કાઠિયાવાડી જ છે.” 

વર્ષ 2013 તેમણે ગુજરાતી કન્ટેન્ટ સાથે પોતાનું ક્રિએશન શરૂ કર્યું. તેઓ દૃઢપણે એવું માને છે કે, ગુજરાતીઓ ક્યારેય પોતાની સંસ્કૃતિને માન આપવાનું ભૂલતા નથી. તેમણે લંડનમાં ગુજરાતી લોક સંસ્કૃતિ અભિયાન શરૂ કર્યું જેને રાસ રેબેલિયન નામ આપવામાં આવ્યું. લંડનમાં રાસ ક્રાંતિ અને ગરબાના તમામ પ્રકારો સાથે કામ કરવાનું અને પ્રચાર કરવાનું શરૂ કર્યું. એશિયાના ઘણા બધા લોકો લંડનના રાજકારણમાં સક્રિય છે. મેં મારા આર્ટ થકી એ તમામને સંબોઘ્યા છે. પાર્લે ઉમેરે છે કે, રાસ રિબેલિયન અંતર્ગત મેં જૈન, મુસ્લિમ, અમેરિકન, સ્વીસ સહિત અનેક પ્રાંતના લોકો સાથે ગરબા કર્યા છે. ભારતમાં મેં જોયું છે કે, એ પ્રકારનો થોડો તફાવત જોવા મળે છે. ચોક્કસ વર્ગના લોકો ગરબા કરતા નથી અથવા તેઓ ન કરી શકે એવું માનવામાં આવે છે. એટલે એક પ્રકારનો અણગમો છે. 

ઈન્સ્ટાગ્રામ પર 45,000 ફોલોઅર્સ અને યુટ્યુબમાં 60,000થી વધારે સબસ્ક્રાઈબર્સ ધરાવતા કલાકાર એવું માને છે કે, ભારતની પોલિટિકલ સિસ્ટમ યુકેમાં કામ કરતી નથી. પાર્લે કહે છે કે, “મેં જોયું છે કે, રાજકારણમાં નેતાઓ ખોટા વાયદા કરે છે, પ્રભાવિત થઈ જાય એવા ભાષણ આપે છે, રેલી કાઢે છે અને પછી પોતાના વ્યવસાયમાં પાછા ફરે છે. સન્માન અને સરકારની ટીકા બંને જરૂરી છે જેનું ખાસ મહત્ત્વ પણ છે. જ્યારે હું દાદા સાથે બેઠો હતો ત્યારે આ આખા સિનની ચર્ચા કરી હતી, તકલીફ તો રહેવાની એવું કહીને ખૂબ હસ્યા હતા.” 

“હા. હું ગુજરાતમાં જ રહેવા માગુ છું. પરંતુ હું બિયરને ખૂબ મિસ કરીશ. પણ મને વિશ્વાસ છે કે એનું સેટિંગ થઈ જશે.”

Your email address will not be published.