બરવાળા લઠ્ઠાકાંડમાં આજે વધુ ત્રણ દર્દીઓના મોત થયા છે. ત્રણના મોત બાદ મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. બોટાદમાં 33 અને ધંધુકામાં 13 મળીને કુલ 46 લોકોના આ લઠ્ઠાકાંડમાં મોત થયા છે. હાલ 93 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જેમાંથી 83 લોકોને રજા આપી દેવામાં આવી છે.
લઠ્ઠાકાંડમાં 14 આરોપીઓની ધરપકડ કરી તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બરવાળા, રાણપુર અને ધંધુકામાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ હાલમાં રિમાન્ડ પર છે. બોટાદના લઠ્ઠાકાંડના 4 આરોપીઓને ભાવનગર જેલ હવાલે કરાયા છે.
આ કેસમાં 12 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને તેઓની બદલી કરાઈ છે.આ સમગ્ર ઘટનાની તપાસ માટે SITને તપાસ સોંપવામાં આવી છે.
DGP એ SP કક્ષાના 2 અધિકારીઓને સોંપી
લઠ્ઠાકાંડની તપાસ માટે બે જાંબાજ અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં બરવાળા, ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુના નોંધાયા છે. DGPના આદેશ પ્રમાણે બરવાળા અને રાણપુર કેસનું સુપરવિઝન સ્ટેટ મોનીટરીંગ સેલના SP નિલિપ્ત રાય કરશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં નોંધાયેલ ગુનાનું સુપરવિઝન SCRBના પોલીસ અધિક્ષક જ્યોતિ પટેલ કરશે.