સરકારી નોકરીની લાલચમાં 33 યુવાનો લૂંટાયાઃ રૂ. 59 લાખની છેતરપિંડી કરનારા બે મહાઠગ પકડાયા

| Updated: October 13, 2021 2:25 pm

સરકારી નોકરીની લાલચમાં ગમે તે કરવા તૈયાર યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો મહેસાણામાં બહાર આવ્યો છે. મહેસાણા અને અન્ય જિલ્લાના કુલ 33 લોકોને એસટી વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા બે શખ્સ પકડાયા છે.

મહેસાણા અને પાટણ જિલ્લામાં કેટલાય લોકોને સરકારની નોકરીની લાલચ આપીને ખંખેરનારા બે મહાઠગ પકડાયા છે. અત્યાર સુધીમાં તેમણે લોકોના લગભગ 59 લાખ લૂંટી લીધા હતા. બંને આરોપીઓ પોતે નરોડા સેન્ટર ઓફિસ એસટી વિભાગ, અમદાવાદ ખાતે સેક્શન ઓફિસર હોવાનું કહી, ખોટી પગાર સ્લીપ બતાવી 33 લોકો પાસેથી કુલ રૂપિયા 59 લાખથી વધુની છેતરપીંડી આચરી છે. આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ સમગ્ર મામલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી અને આ કેસના બે આરોપી રાકેશ જયંતિ પટેલ અને લલિત કેશવલાલ મકવાણાને પકડ્યા છે. આ બંને યુવકો સ્વીફ્ટ ગાડીમાં સવાર થઈને જઇ રહ્યા હતા ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સોમનાથ ચોક પાસેથી ઝડપી પાડ્યા છે. આ મામલે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. વધુ તપાસ મામલે ઝડપાયેલા બે આરોપીઓને વિસનગર તાલુકા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યાં છે.

ભેજાબાજ આરોપીઓની મોડેસ ઓપરેન્ડી

સેવાળા ગામના ઠગ રાકેશ પટેલે અમદાવાદ તેમજ મહેસાણા એસટી ડેપો આગળ બોલાવી લલિત કેશવલાલ મકવાણાની ડેપો મેનેજર તરીકે ઓળખ આપી બેઝ નંબર, નંબર પ્લેટ, ખાખી યુનિફોર્મ સીવડાવી, ટેલીફોનથી મૌખિક પરીક્ષા લઇ ખોટા નિમણૂંક હુકમો બનાવી આપ્યા હતા. જોકે, મયુરભાઇ પ્રજાપતિ સહિત દેણપ ગામના યુવાનોને હુકમના લેટર બાબતે શંકા જતાં તેમણે અમદાવાદ ખાતે નિગમના મધ્યસ્થ કાર્યાલય વિભાગમાં તપાસ કરી હતી. જ્યાં આવો કોઈ વ્યક્તિ સેક્શન ઓફિસર નહીં હોવાનું જાણવા મળતાં તેમની સાથે ઠગાઇ થયાનું બહાર આવ્યું હતું. છેતરાયેલા લોકોમાં મહેસાણાના અને તેના આસપાસના 15 ગામોમાં રેહતા લોકો સાથે ઠગાઈ કરી છે

બંને આરોપીઓને વિસનગર તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરતાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે પુછપરછ હાથ ધરી છે. ત્યાર બાદ આ કેસમાં હજુ નવા ખુલાસા થવાની શકયતા છે.

Your email address will not be published. Required fields are marked *