અમરેલીમાં લમ્પી વાયરસના કહેરથી માલધારી સમાજમાં ફફડાટ વ્યાપી ગયો છે. 40 જેટલા ઘેટાઓના મોત થયા છે. હાલ ઘેટાઓમાં સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
અમરેલીમાં છેલ્લા 5, 6 દિવસથી એક ઝેરી વાયરસને કારણે પશુઓના મોત થઈ રહ્યા છે. ભાવરડીના રત્નાભાઈ ભરવાડ નામના માલધારીના 30થી 40 જેટલા ઘેટાઓ અચાનક જ મોતને ભેટતા માલધારી સમાજમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈ સરપંચને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સરપંચ દ્વારા પશુ ચિકિત્સકને બોલાવીને ભાવરડી ગામના પશુપાલકોના પશુઓની સારવાર અને વાયરસ અંગે સેમ્પલો લીધા હતા. ગીર પંથકના ગામડાઓમાં મોટાભાગે માલધારીઓ જ વસવાટ કરે છે. જેમાં ભાવરડી ગામમાં રત્નાભાઈ ભરવાડના 30થી 40 ઘેટા મોતને ભેટતા પશુ ચિકિત્સક દ્વારા પશુઓ પર મોનોટરિંગ થઈ રહ્યું છે.
એક તરફ લમ્પી વાયરસનો કહેર બીજી તરફ આ અનોખા વાયરસથી પશુઓના મોતથી અમરેલી જિલ્લાના પશુપાલકો ચિંતિત બન્યા છે. તથા સેમ્પલો અમરેલી ખાતે તપાસમાં મોકલાવ્યા છે. આ નવા વાયરસ પર પશુ ચિકિત્સકો કેટલો કાબુ મેળવી શકે છે તે એક ચિંતાનો વિષય છે.