ઉત્તર ગુજરાતમાં વરસાદના વિલંબ બાદ પણ 47 તાલુકાઓમાં 56.78 ટકા વરસાદ નોંધાયો

| Updated: August 1, 2022 4:07 pm

ઉત્તર ગુજરાતમાં (North Gujarat) આ વર્ષે વરસાદમાં વિલંબ થયો હતો. શ્રાવણ તેમજ ભાદરવા મહિનામાં સારો વરસાદ પડી શકે છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કુલ 47 તાલુકાઓમાં અત્યાર સુધીમાં 56.78 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે 47 પૈકી 17 તાલુકાઓમાં તો 60 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 50 ટકા કરતાં વધુ વરસાદ થયો હોય તેવા ઉત્તર ગુજરાતના 34 તાલુકા છે.

ઉત્તર ગુજરાતમાં (North Gujarat) સૌથી વધુ સૂઈ ગામમાં 89.76 ટકા અને સૌથી ઓછો ખેરાલુમાં 32.07 ટકા વરસાદ થયો છે. બનાસકાંઠામાં 63.41 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ભાભર, દિયોદર, સૂઈગામ અને થરાદમાં તો 80 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે.

બીજી તરફ ભારે વરસાદ થવાથી જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જળાશયોની સ્થિતિ તરફ નજર કરીએ તો આજે 31 જુલાઇ સુધીમાં 21.79 ટકા જીવંત જથ્થો છે. જેમાં મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 33.16 ટકા અને સૌથી ઓછો બનાસકાંઠામાં 6.39 ટકા જીવંત જથ્થો છે

હવામાન નિષ્ણાતો અનુસાર આગામી તા. 5મી ઓગસ્ટથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. આ વખતે પણ દક્ષિણ ગુજરાતથી વરસાદના રાઉન્ડની શરૂઆત થશે અને ધીમે-ધીમે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે.

રવિવારે કોઈ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો નથી. ઘણા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ નોંધાયો હતો. શહેરમાં વરસાદ ન થતાં તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે, કારણ કે આગામી ત્રણ દિવસમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મોન્સૂન ફેસ્ટિવલના પ્રારંભ વચ્ચે વરસાદની આગાહી

Your email address will not be published.