5G દેશની અર્થવ્યવસ્થામાં 450 અબજ ડોલરનું પ્રદાન આપશેઃ મોદી

| Updated: May 17, 2022 4:42 pm

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી થોડા મહિનામાં 5G સર્વિસ શરૂ થઈ જશે, આ સર્વિસ શરૂ થયાની અંદર દોઢ દાયકામાં દેશના અર્થતંત્રમાં 450 અબજ ડોલર (36 લાખ કરોડ)નું પ્રદાન આપશે. હાલમાં દેશમાં ટુજી, થ્રીજી અને ફોરજી સર્વિસ ચાલુ છે અને દાયકાની અંદર આ બધી સર્વિસ 5Gમાં રૂપાંતરિત થઈ જશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના રજતજયંતિ સમારંભને વેગ આપતા વડાપ્રધાન મોદીએ એમ પણ જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી રોજગાર નિર્માણને વેગ આપે છે અને રોજગાર નિર્માણની પ્રક્રિયા ઝડપી બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે 21માં સદીને દેશની પ્રગતિનો આધાર કનેક્ટિવિટી પર રહેશે. તેમણે આ સાથે જણાવ્યું હતું કે દાયકાના અંત સુધીમાં 6જી સેવા પણ શરૂ થઈ શકે તે માટે સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાને આ પ્રસંગે પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડ્યો હતો. આઇઆઇટી મદ્રાસની આગેવાની હેઠળની આઠ સંસ્થાઓ દ્વારા બહુસંસ્થાકીય સહયોગ વડે વિકસાવવામાં આવેલા 5G ટેસ્ટ બેડનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સંશોધકો અને સંસ્થાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે મને સ્વનિર્મિત 5G  ટેસ્ટ બેડ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે. ટેલિકોમ સેક્ટરમાં જટિલ અને આધુનિક ટેકનોલોજીની દિશામાં આ અત્યંત મહત્વનુ્ં પગલું છે.

તેમણે જણાવ્યું હતું કે દેશનો પોતાનો 5G  બેન્ચમાર્ક બનાવવામાં આવ્યો છે તે દેશ માટે અત્યંત ગર્વની વાત છે. 5G ટેકનોલોજી દેશના ગામડાઓને જોડવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે 21મી સદીમાં ભારતની પ્રગતિનો આધાર કનેક્ટિવિટી હશે. તેથી દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી પડશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે ફાઇવજી ટેકનોલોજી દેશમાં શાસન જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સુગમતામાં પરિવર્તન લાવવા જઈ રહ્યુ છે. આનાથી કૃષિ, આરોગ્ય, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અને દરેક ક્ષેત્રમાં પ્રગતિને વેગ મળશે. પ્રગતિ અને રોજગાર સર્જન વધશે. 5G  શક્ય તેટલી વહેલી તકે બજારમાં આવે તે જરૂરી છે. તે માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે દાયકાના અંત સુધીમાં શરૂ થનારી 6જી સેવા માટે ટાસ્ક ફોર્સે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

Your email address will not be published.