ભારતમાં 5Gના લોન્ચિંગના લીધે મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ વધશે. ભારત હાલમાં વૈશ્વિક સ્પીડ ટેસ્ટમાં 115માં સ્થાને છે. ઓકલાએ તાજેતરમાં જણાવ્યું હતું કે મે 2022માં ભારત મોબાઇલ ઇન્ટરનેટમાં ગ્લોબલ ઇન્ડેક્સ રેન્કિંગ્સમાં ત્રણ સ્થાન ઉચકાઈ 115માં સ્થાને પહોંચ્યું હતું. ભારતની એપ્રિલમાં મોબાઇલ ઇન્ટરનેટની ડાઉનલોડ સ્પીડ 14.19 એમબીપીએસ હતી જે મેમાં વધીને 14.28 એમબીપીએસ થઈ હતી.
ફિકસ્ડ બ્રોડબેન્ડમાં જોઈએ તો ભારત 76માં સ્થાનથી ઉચકાઈને 75માં સ્થાને પહોંચ્યું હતું. ભારતની ફિકસ્ડ બ્રોડબેન્ડમાં ડાઉનલોડ સ્પીડ એપ્રિલમાં 47.86 હતી, જે મેમાં 48.09 થઈ હતી. ભારતને આ ઉપરાંત 5Gની હરાજી પેટે 4.3 લાખ કરોડની રકમ મળવાની આશા છે. 5G અલ્ટ્રા-હાઇસ્પીડ ઇન્ટરનેટ સ્પીડ પૂરી પાડશે.
ઉદ્યોગના નિષણાતો માને છે કે ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયા આ ટેકનોલોજીના સથવારે નોન-પેમેન્ટ્સ એકાઉન્ટ્સને સક્રિય કરી શકશે અથવા તો દૂર કરી શકશે. આ રીતે મૃતઃ પ્રાય થઈ ગયેલા જોડાણો કાપવાના લીધે કંપનીઓ તેમના નેટવર્ક અને અન્ય મહત્વના સંસાધન મુક્ત કરી શકશે. તેના લીધે કંપનીઓને આગામી મહિને યોજાનાર ફાઇવ-જી હરાજીમાં ફાયદો થશે.
કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વર્ષના અંત સુધીમાં કમસેકમ 20થી 25 શહેરોમાં ફાઇવ-જી નેટવર્ક સક્રિય થઈ જશે. ઓકલાએ જણાવ્યું હતું કે ફાઇવ-જી યુગના લીધે બજારમાં સ્થિરતા આવે તેમ માનવામાં આવે છે. ઓકલાના સીઇઓ અને સહસ્થાપકે ડગ સટલ્સે જણાવ્યું હતું કે ઉદ્યોગ માટે સ્પર્ધાત્મક બજાર હશે અને હવે ફોર-જી જેવું ભાવયુદ્ધ છેડાય તેવી કોઈ સંભાવના નથી. ફોર-જીનું હાલનું બજાર જ અત્યંત સ્પર્ધાત્મક છે. તેથી ફાઇવ-જી ક્રાંતિ માટે ફોર-જી ક્રાંતિ જેવું રહે તેવી કોઈ સંભાવના નથી. ભારતને 5Gની ક્રાંતિનો ધરખમ ફાયદો મળશે.
ભારત આ ઉપરાંત વિશ્વમાં સૌથી નીચા ડેટા રેટ ધરાવે છે.. તેનો ફાયદો ભારતને હવે ફાઇવ-જી તરફ શિફ્ટ થવામાં મળશે. ભારતની અગ્રણી કંપનીઓએ તો તેમનું ફાઇવ-જી નેટવર્કનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી જ દીધું છે. હવે તેઓતેના સ્પેક્ટ્રમની હરાજીની રાહ જોઈ રહી છે. તેઓએ ફાઇવ-જી માટે ટેસ્ટિંગ પણ પૂરુ કરી લીધું છે. તેથી તેમની નજર હવે સ્પેકટ્રમ લેવા પર છે. હવે કઈ કંપની હરાજીમાં જીતીને વહેલા સર્વિસ શરૂ કરે છે તેના પર જ બધાની નજર રહેશે.