“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં 75 અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજયમાં હાલ કુલ 2767 સ્થળોની અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી છે જે અંતર્ગત 2,422 કામો પ્રગતિમાં છે. જે પૈકી આગામી સ્વાતંત્ર્ય પર્વ-15 ઓગષ્ટ, 2022 સુધીમાં 663 અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આગામી સ્વાતંત્ર્ય પર્વ-15 ઓગષ્ટ, 2022ના રોજ 663 અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. અમૃત સરોવર અંતર્ગત રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામ તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. જ્યારે જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યઓના અધ્યક્ષસ્થાને યોજાનાર ધ્વજ વંદન કાર્યક્રમમાં આ અમૃત સરોવરોના લોકાર્પણ કરવામાં આવશે. જે માટે અમૃત સરોવર પર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ (CSR) અને લોકભાગીદારીથી વિશેષ સુશોભન કરવામાં આવશે. ઓછામાં ઓછામાં 1 એકર ક્ષેત્રફળમાં અમૃત સરોવર વિસ્તરેલું હોવાથી પ્રતિ સરોવર અંદાજે 10,000 ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે જેના પરિણામે જે તે વિસ્તારમાં પાણી સ્તર વધુ ઊંચા આવશે.
મંત્રીએ કહ્યું હતું કે, મનરેગા અંતર્ગત 950, સિંચાઈ વિભાગ હેઠળ 1148, વોટર શેડ-106, NHAI-14, વન વિભાગ-02, 15મું નાણાપંચ-01, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે-09, અન્ય CSR-229 તેમજ અન્ય લોક ભાગીદારીથી 309 એમ કુલ 2,767 સ્થળો-અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી છે.