છેલ્લા દસ દિવસમાં અમદાવાદ IIM-A કેમ્પસમાં 67 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

| Updated: January 11, 2022 6:18 am

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં 805 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 67 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી.

અમદાવાદ IIMમાં નવા સાત કેસો સામે આવતા આંકડો 67 ઉપર પહોંચી ગયો છે. છેલ્લા દસ દિવસમાં કેમ્પસમાં કુલ 805 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી પહેલા 60 લોકો પોઝિટિવ આવ્યા હતા અને નવા સાત કેસો સામે આવ્યા છે. IIM-Aમાં 67 કોવિડ-19 કેસમાંથી 31 વિદ્યાર્થીઓ, આઠ ફેકલ્ટી સભ્યો અને 28 અન્ય સ્ટાફ અને સમુદાયના સભ્યો છે. સ્ટાફમાં 18 સમુદાયના સભ્યો ઉપરાંત કેમ્પસમાં બે અને કેમ્પસ બહારના આઠ સભ્યોનો સમાવેશ થાય છે.

પરંતુ મોટી રાહત એ છે કે અમદાવાદમાં છેલ્લા 16 દિવસથી કોઈ મૃત્યુ થયું નથી અને છેલ્લું 24 ડિસેમ્બરે થયું હતું. શહેરમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3,412 છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી વચ્ચે પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટના 805 જેટલા સભ્યોએ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા.

અગાઉની જેમ, અમદાવાદના અસારવા અને સોલામાં સિવિલ હોસ્પિટલના ફ્રન્ટલાઈન યોદ્ધાઓને ચેપ લાગ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલના 18 જેટલા ડોકટરો અને ચાર નર્સો, જ્યારે સોલા હોસ્પિટલના ત્રણ ડોકટરો અને ચાર પેરામેડિકલ સ્ટાફનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોમવારના દિવસે કોરોના વાયરસના 6097 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 1539 દર્દઓ સાજા થયા હતા. જયારે અમદાવાદમાં સૌથી વધારે 1893 દર્દીઓ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 32469 પર પહોંચી ગયો છે. જૈ પૈકીના માત્ર 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ 8,25, 702, દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. 

Your email address will not be published.