બનાસકાંઠામાંથી હિમાચલનો વતની 1.46 કરોડના ચરસના જથ્થા સાથે ઝડપાયો
બનાસકાંઠા જિલ્લો હવે નશીલા પદાર્થોનો પ્રવેશદ્વાર બની રહ્યું છે.. અગાઉ અમીરગઢ ચેક પોસ્ટ પરથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાઇ ચૂક્યું છે.. ત્યારે એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા 1.46 કરોડના ચરસના જથ્થા સાથે હિમાચલના એક વ્યકિતની ઝડપી પાડયો છે. પોલીસ પુછપરછમાં ઝડપાયેલા શખ્સે કરેલી કબુલાતથી ખુદ પોલીસ પણ ચોકીં ઉઠી હતી. હિમાચલના જંગલોમાં તે પોતે ચરસની ખેતી કરતો હતો અને આ ચરસ તે ગોવામાં વેચતો હતો, અગાઉ પણ તે ચરસનો જથ્થો ગોવામાં વેચી ચુકયો છે.
હિમાચલ પ્રદેશનો યુવક આ જથ્થો લઈને ગુજરાત આવી રહ્યો હતો. તે દરમ્યાન બનાસકાંઠા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ પોલીસને તેની બાતમી મળતા પોલીસે અમીરગઢ ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી.. તે દરમ્યાન બાતમી વાળી કાર આવતા પોલીસે કારને થોભવીને તલાશી લેતા તેમાથી પંદર કિલો ચરસનો જથ્થો ઝડપાઇ ગયો હતો.. જેની અંદાજિત કિંમત 1.46 કરોડ જેટલી થાય છે.. પોલીસે આ સફળ ઓપરેશનમાં એક શખ્સની અટકાયત કરી છે..
પોલીસે જે શખ્સની અટકાયત કરી છે તે શખ્સ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાનો કિરણ નેગી હોવાનું સામે આવ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.. આ શખ્સ દ્વારા આ જથ્થો ક્યાથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે પોલીસે પૂછપરછ કરતા કિરણ નેગી નામના આ શખ્સે કબૂલાત કરતા જણાવ્યું હતું તે હિમાચલ પ્રદેશના જંગલ વિસ્તારમાં તે ચરસની ખેતી કરતો હતો અને આ જથ્થો ગોવા લઈ જતો હતો. આ ઉપરાંત આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે તે અગાઉ પણ બે વખત ગોવા લઈ જઈ ચુક્યો છે અને ગોવામાં તે આ ચરસનું છૂટક વેચાણ કરતો હતો..
અહેવાલ – હરેશ ઠાકોર