સામાન્ય રીતે કહેવાય છે કે,”છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ” પણ આ પંક્તિ સાવલી તાલુકામાં ખોટી સાબિત થઇ છે, જ્યાં સાવલી તાલુકાના પસવા ગામમાં પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી પરિણીતાએ પોતાના છ વર્ષના પુત્રને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારી લાશ રઝળતી મૂકી અને દીકરીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી મુકી છે.
પતિ મુકેશ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2015માં પંચમહાલના ઢીકવા ગામે રહેતી સુમિત્રા બારીયા સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમને બે સંતાનો હતા જેમાં છ વર્ષનો પુત્ર પ્રિન્સ અને ત્રણ વર્ષની દીકરી છે. પ્રિન્સ પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
મુકેશે જણાવ્યું કે, તેને એક વર્ષ અગાઉ તેની પત્ની સુમિત્રાને પિયર તરફ વેજલપુર ખાતે રહેતા કિશનભાઇ રાવળ સાથેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. તે અવારનવાર પિયરમાં જતી હતી અને સાસરીમાં ધ્યાન આપતી ન હતી. ગત રવિવારે તેનો પ્રેમી ગામમાં સુમિત્રાને મળવા પહોંચ્યો હતો ત્યારે ગામવાળાઓએ તેને ઝડપી પાડયો અને તેની પત્ની તથા કિશનને અનૈતિક સંબંધો રાખવા બાબતે ઠપકો આપ્યો હતો.
દરમિયાન ગઈકાલે પુત્ર પ્રિન્સનું મૃત્યુ થવાના સમાચાર મળ્યા હતા. તેના ગળા ઉપર ઇજાઓ હતી. ભત્રીજાએ જણાવ્યું કે, સુમિત્રા પ્રિન્સને તેડી સાડી ઓઢાડી કેનાલ તરફ લઈ ગઈ હતી. ઘર નજીક આવેલ કેનાલ ઉપર કેનાલ ક્રોસ કરવા માટે બનાવેલા કામ ચલાઉ બ્રિજ ઉપરથી પ્રિન્સની લાશ મળી આવી હતી. અને સુમિત્રા પણ નજીકના ખેતરમાં હતી. પત્નીએ આ બાબતે જણાવ્યું હતું કે હજુ દીકરીને પણ મારી નાખીશ.
સમગ્ર બનાવ સંદર્ભે સાવલી પોલીસે પરિણીતા અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આમહત્યા કરી