ભારતમાં કુદકે ને ભૂંસકે વધતી મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત છે. દોઢ એક મહિનાના વિરામ બાદ ગેસના ભાવમાં વધુ એક વધારો ઝીંકાયો છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં 50 રૂપિયાના વધારાને લીધે સામાન્ય નાગરિકને મોંઘવારીનો વધુ એક ડામ આપ્યો છે.
ગેસ વિતરણ કંપનીઓએ બુધવારે સવારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈન્ડિયન ઓઈલના લેટેસ્ટ અપડેટ મુજબ હવે તમારે સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડર પર 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. રાજધાની દિલ્હીમાં હવે 14 કિલોના સિલિન્ડરની કિંમત 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1079, મુંબઈમાં 1052.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1068.50 રૂપિયા થઈ ગઈ છે. ગુજરાતમાં 14.2 કિલો સિલિન્ડરના હવે 1050 રૂપિયા ચૂકવવા પડશે. મહત્વનું છે કે, છેલ્લા 6 મહિનામાં ત્રીજી વખત ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડરમાં રાહત મળી છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે.
સરકારે સામાન્ય લોકોને મોંઘા સિલિન્ડરથી રાહત આપવા માટે ઉજ્જવલા યોજના હેઠળ કનેક્શન લેનારા લોકોને 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કકરી હતી. આ યોજના મુજબ એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે.
આ પણ વાંચો: રાંધણ ગેસના ભાવમાં ભડકો; મહિનામાં બીજી વખત ભાવ વધારો