આપના નેતાઓની ટીમ પર વિસાવદરમાં હુમલો

| Updated: June 30, 2021 11:01 pm

ગુજરાતની 2022 વિધાનસભાની ચૂંટણીને આપ જેટલી ગંભીરતાથી કોઈએ નથી લીધી. તેમની યુવા ટીમ આખા રાજ્યમાં ફરીને નવા સભ્યોની નોંધણી કરી રહી છે. આજે તેઓ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં લેરિયા ગામે પહોંચ્યા ત્યારે આપની ગાડીઓના કાફલા પર હુમલો થયો હતો.
આપની કારના કાફલામાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને અગ્રણી નેતા ઇસુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ પ્રવાસ કરતા હતા. તેમના પર યુવાનોના એક જૂથ દ્વારા હુમલો કરાયો હતો. આપે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હુમલા પાછળ ભાજપનો હાથ છે. તેમણે એક વીડિયો પણ રિલિઝ કર્યો હતો જેમાં કેસરિયા પહેરેલા યુવાનોએ કારના કાફલા પર હુમલો કર્યો હતો. આપના એક સ્વયંસેવકને ગંભીર ઇજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રવીણ રામે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જોકે, જુનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરિટ પટેલે કહ્યું કે સરપંચ ભાજપની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.
આ અંગે એક એફઆઈઆર નોંધાઈ છે. આપના નેતા ઇસુદાને ફેસબૂક લાઈવ પર કહ્યું કે તેઓ કારને રિવર્સમાં લઈ રહ્યા હતા ત્યારે કારના પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો કે ભાજપને આપની બીક લાગે છે.

Your email address will not be published.