અમદાવાદઃ કોરોના દરમિયાન ગરીબોને ટેકો આપવા માટે સરકારે મફતમાં અનાજ વિતરણની યોજના જાહેર કરી હતી, પરંતુ સસ્તા અનાજની કેટલીક દુકાનોમાં કૌભાંડ બહાર આવ્યું છે. રાશનિંગ અનાજ કૌભાંડમાં 49 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 1.62 લાખ રૂપિયાની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર કોરોનાની પિક દરમિયાન ગરીબી રેખા હેઠળ (BPL) અને ગરીબી રેખા ઉપરના લોકો માટે મફતમાં અનાજ વિતરણની સહાય કરવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડ પકડી પાડ્યું છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આરોપીઓ રેશનકાર્ડ ધારકોની જાણ બહાર તેમના નામ, આધારકાર્ડ, સરનામુ, આંગળીની છાપનો ડેટા વગેરે ગેમ સ્કેનર અને સેવ ડેટા નામના સોફ્ટવેર દ્વારા કોપી કરતા હતા. રાશનની દુકાનોમાંથી જેમણે માલ ખરીદેલો ન હોય તેમના નામે ખોટા બિલ બનાવવામાં આવતા હતા અને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.
પોલીસને ઘટનાની જાણ થતા આરોપીઓને શોધવા માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી હતી અને સર્ચ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આનંદ ઠક્કર, રસિકભાઈ મહેસાણીયા સહિત 49 સામે ફરિયાદ દાખલ કરી છે. તેમાંથી 20 લોકો રાશન દુકાન સંચાલકો પણ હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે 49 લોકો સામે કેસ દાખલ થયો છે જેમાંથી 8ની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.
એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, ડી પી ચુડાસમાએ જણાવ્યું કે આઇપીસીની કલમ 409, 465, 467, 468, , 471, 120 B, 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે અલ્પેશ ઠાકોર, રકીક મહેસાણિયા, જાવેદ રંગરેજ, લતીફ માનેસિયા, મુસ્તફા માનેસિયા, કૌશિક જોશી, દીપક ઠાકોર અને હિતેશ ચૌધરીની ધરપકડ કરી છે. તેમની સામે વચેટિયા અને રાશનની દુકાનોના માલિકો સાથે જોડાણ કરીને કૌભાંડ કરવાનો આરોપ મુકાયો છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે ગરીબો અને જરૂરિયાતમંદો માટેનું અનાજ વેપારીઓને વેચવામાં આવ્યું હતું.