અમદાવાદ ‘હિટ એન્ડ રન’ કેસઃ રાતોરાત ફરાર થયા બાદ પર્વ શાહ પોલીસ સમક્ષ હાજર

| Updated: July 1, 2021 8:04 pm

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે ફૂટપાથ પર સુઈ રહેલા લોકો પર કાર ચઢાવી દેવાના ‘હિટ એન્ડ રન’ કેસમાં કાર જેના નામે છે તે વ્યક્તિ પોતાના પરિવાર સાથે રાતોરાત ભાગી ગઈ હતી. ત્યાર બાદ મંગળવારે સાંજે કાર જેમના નામે હતી તે શૈલેષ શાહનો પુત્ર પર્વ શાહ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને સામેથી હાજર થઈ ગયો છે. તેને બ્લડ અને કોવિડ-19 ટેસ્ટ માટે લઈ જવાયો છે.

સોમવારે રાતે શિવરંજની ચાર રસ્તા નજીક વીમાનગર પાસે બે કાર ધસમસતી આવી હતી, જેમાંથી એક આઇ-20 કાર (GJ-01-RU 8964) ફૂટપાથ પર ચાર લોકો પર ચઢી ગઈ હતી. આ ઘટનામાં એક મહિલા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે આ કાર મીઠાખળી પાસે મહારાષ્ટ્ર સોસાયટીના સિધ્ધગીરી એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ શાહના નામે નોંધાયેલી છે.

વીઓઆઈની ટીમે જ્યારે શૈલેષ શાહના ઘરે પહોંચી ત્યારે તેમના ઘરના દરવાજા પર તાળા લટકતા જોવા મળ્યા હતા. દરવાજાની ગ્રિલમાં 29મી જૂન, 2021નું અખબાર પડ્યું હતું. તે દર્શાવે છે કે શાહ પરિવાર રાત્રે જ ઘરે તાળું મારીને નીકળી ગયો હતો.

કેટલાક રહેવાસીઓએ કહ્યું કે તેમને આજે સવારે જ ખબર પડી હતી કે શાહ પરિવારની કારે અકસ્માત કર્યો છે. તેઓ અત્યારે ક્યાં છે તેની તેમને ખબર નથી. અન્ય કેટલાક રહેવાસીઓએ એ ચૂપ રહેવાનુ પસંદ કર્યું હતું.

નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) તેજસ પટેલે પણ જણાવ્યું કે તેમની ટીમ જ્યારે શાહના ઘરે ગઈ ત્યારે તેમનું ઘર બંધ હતું. તેજસ પટેલે ઉમેર્યું હતું કે, “અમે શાહની તલાશમાં છીએ. તેમની પૂછપરછ બાદ જ ખબર પડશે કે ખરેખર કાર કોણ ચલાવતું હતું. શાહ પોતે કાર ચલાવતા હતા કે તેમનો પુત્ર તે જોવાનુંછે. અમે તેમના ફોનનું લોકેશન કાઢીને એ વાતની પણ ખરાઈ કરીશું કે રાતના સમયે તેઓ ક્યાં હતા. તેમની પૂછપરછ બાદ જ ખબર પડશે કે અકસ્માત સમયે કાર કોણ ચલાવતું હતું “.

એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર અને અકસ્માતમાં ઈજા પામેલા રૂપેશ ભાભોરે કહ્યું હતું કે, તેઓ દાહોદના વતની છે અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં રહી મજૂરી કામ કરે છે. 29મી જૂને રાતના લગભગ 12.30 વાગ્યે તેમનો પરિવાર વીમાનગર પાસેના ફૂટપાથ પર સુતો હતો ત્યારે પૂરઝડપે આવતી કારે તેમને અડફેટે લીધા હતા. જેમાં તેમની માતા સત્તુ (38 વર્ષ)નું મોત નિપજયું હતું જ્યારે તેમના પિતા બાબુભાઈ (40) અને નાના ભાઈઓ જેતન (5) અને વિક્રમને  (7) ઈજા પહોંચી હતી.

તમામ ઇજાગ્રસ્તોને સૌપ્રથમ સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી અસારવા ખાતે આવેલી મોટી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. રૂપેશના પિતરાઈ ભાઈ વિક્રમે જણાવ્યું હતું કે અસારવા સિવિલ હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી તમામ ઈજાગ્રસ્તોને તેમણે ખાનગી ગાડી કરીને દાહોદ ખસેડયા છે.

અકસ્માત સર્જનાર કારે અગાઉ 9 વાર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે

નાયબ પોલીસ કમિશનર તેજસ પટેલે કહ્યું હતું કે તપાસ કરતાં માલુમ પડ્યું કે અકસ્માત સર્જનાર કારે અગાઉ નવ વાર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે. તે માટે કારના માલિકને મેમો પણ ફટકારવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, “ટૂંક સમયમાં જ તેઓ બે એવા સ્કવોડની રચના કરશે કે જે આવા વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસૂલશે. આ ઉપરાંત અલગ અગલ ટીમો રસ્તા પર પીઓએસ મશીન લઈને ઊભી રહેશે અને કસૂરવાર વાહન ચાલકોને રોકી દંડ વસૂલશે ” .

કારમાંથી એક શખ્સ પકડાયો હતો, પણ પોલીસનો ઈનકાર

ફરિયાદી રૂપેશે કહ્યું હતું કે તેમણે સ્થળ પરથી કારમાં બેઠેલા એક શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો હતો. જોકે નાયબ પોલીસ કમિશ્રર તેજસ પટેલે કહ્યું હતું કે તેમણે તપાસ કરનાર અધિકારી સાથે વાત કરી છે. લોકોએ સ્થળ પરથી કોઈને પકડીને પોલીસને સોંપ્યો નથી.

તપાસના મુદ્દા

કારના માલિક શૈલેશ શાહને શોધવાનો બાકી છે.

કાર કોણ ચલાવતું હતું કે જાણવાનું બાકી છે.

રાત્રી કરફ્યુ હોવા છતાં તેઓ કાર લઈને કેમ નીકળ્યા તે સવાલ છે.

બે કાર વચ્ચે રેસ હતી કે નહીં

Your email address will not be published.