રિયલ એસ્ટેટમાં અમદાવાદ હજી પણ એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ

| Updated: July 2, 2022 4:15 pm

અમદાવાદઃ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હોવાના લીધે અમદાવાદના ઘર ખરીદનારાઓની પોષણક્ષમતા ઘટી છે, પરંતુ દેશના આઠ મોટા શહેરોમાં જોઈએ તો અમદાવાદ હજી પણ એફોર્ડેબલ હાઉસિંગ માર્કેટ ધરાવે છે. તેની એફોર્ડેબિલિટીનો સ્કોર 22 ટકા છે, એમ નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ તેના 2022ના નાણાકીય વર્ષના અર્ધવાર્ષિક અહેવાલ એફોર્ડેબિલિટી ઇન્ડેક્સમાં જણાવ્યું હતું.

અહેવાલ દર્શાવે છે કે બધા માર્કેટમાં એફોર્ડેબિલિટી ઘટી છે. તેનું કારણ હોમ લોનના ઊંચે ગયેલા દર છે. રેપો રેટમાં 90 બીપીએસનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ પછી નંબર પુણે અને ચેન્નાઈનો આવે છે. 2022ના પહેલા અર્ધાવાર્ષિક સમયગાળામાં તેમની એફોર્ડેબિલિટી 26 ટકા છે.

નાઇટ ફ્રાન્ક પ્રોપરાઇટરી એફોર્ડેબિલિટી ઇન્ડેક્સ જે કુટુંબ દીઠ ઇએમઆઇ (ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ્સ)થી ઇન્કમ રેશિયો જુએ છે તેમા 2010થી 2021ના સમયગાળા દરમિયાન દેશના આઠ શહેરોમાં સ્થિર દરે સુધારો જોવા મળ્યો છે. રોગચાળા દરમિયાન રિઝર્વ બેન્કે રેપોરેટમાં ઘટાડો કરતા તે દાયકાના નીચલા સ્તરે પહોંચ્યો હતો. જો કે રિઝર્વ બેન્કે બે રિવિઝનમાં રેપો રેટમાં વધારો કરતાં વિવિધ બજારોમાં એફોર્ડેબિલિટી બે ટકા ઘટી હતી અને ઇએમઆઇ લોડમાં 6.97 ટકાનો વધારો થયો છે.

અહેવાલમાં જણાવાયું હતું કે ભારતમાં 2019થી અમદાવાદ સાતત્યસભર દરે એફોર્ડેબલ શહેર રહ્યુ છે. 2010ના 46 ટકાથી એફોર્ડેબિલિટી વધીને 2019માં 25 ટકા થઈ હતી. 2020માં રોગચાળા પછી એફોર્ડેબિલિટી વધુ વધીને 24 ટકા થઈ હતી અને 2021માં તે 20 ટકા થઈ હતી. 2022ના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન આ એફોર્ડેબિલિટી 22 ટકા છે.

નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાના ડિરેક્ટર વિવેક રાઠીએ જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારો થતાં અને ઘર વધારે મોંઘા થતા એફોર્ડેબિલિટી પર અસર પડી છે. આમ છતાં પણ અમદાવાદમાં હજી પણ ઘર ખરીદવું પોષાઈ શકે તેમ છે. જો કે તેની સાથે આપણે ભાવિ મોનેટરી પોલિસી પણ જોવી પડશે, કારણ કે રિઝર્વ બેન્ક વ્યાજના દરમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે.

Your email address will not be published.