શનિવારે સતત બીજા દિવસે અમદાવાદ ફરી ગુજરાતનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જોકે, શહેર શુક્રવારના રોજ 43.6 ડિગ્રી તાપમાનની સરખામણીમાં એક ડિગ્રીથી વધુનો ઘટાડા નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર, શનિવારના રોજ શહેરમાં મહત્તમ તાપમાન 42.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમાં રવિવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની સંભાવના છે અને શહેરમાં આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની પણ શક્યતા છે.
શનિવારે રાજ્યમાં બીજા નંબરનું સૌથી ગરમ સ્થળ ગાંધીનગર હોવાનું નોંધાયું હતું, જ્યાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હતું. રાજ્યના પાટનગર બાદ મહત્તમ 41.6 ડિગ્રી સેલ્સિયસ સાથે ભાવનગરનું તાપમાન સૌથી વધુ હતું. તેમજ સુરેન્દ્રનગરમાં મહત્તમ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત ભારતના ઘણા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 21 મેથી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 21-24 મેથી વરસાદ પડવાની સંભાવના છે. હવામાન આગાહી વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 21-25 મે દરમિયાન હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.