અમેરિકાએ કરેલ દાવા અનુસાર આતંકી સંગઠન અલ- કાયદાનો નેતા અયમાન અલ-જવાહિરી અફઘાનિસ્થાનમાં યુએસ ડ્રોન હુમલામાં (US Drone Strike) માર્યો ગયો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો છે.
ઇજિપ્તનો ડૉક્ટર અને સર્જન જવાહિરીએ 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુએસમાં થયેલા હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. આ ઘટનામાં 3,000 લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ 2001ના અંતમાં અમેરિકી દળોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તોડી પાડી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને ભાગી ગયા હતા. બાદમાં લાદેનને 2011માં પાકિસ્તાનમાં અમેરિકી દળો દ્વારા માર્યો ગયો હતો. ત્યારબાદ જવાહિરી અલ- કાયદાની અધ્યક્ષ બન્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલમાં યુએસ ડ્રોન હુમલામાં જવાહિરીના મૃત્યુના સમાચાર આપ્યા હતા. સોમવારે સાંજે રાષ્ટ્રપતિ બાઈડને પોતાના સંબોધનમાં કહ્યું કે ‘ન્યાયની જીત થઈ છે. કાબુલમાં થયેલા હવાઈ હુમલામાં અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીનું મોત થયું છે. સ્પષ્ટપણે, જો તમે અમારા લોકો માટે ખતરો છો, તો અમેરિકા તમને શોધી કાઢશે. પછી ભલે તમે ગમે ત્યાં છુપાઈ જાઓ, અને પછી ભલે તેમાં કેટલો પણ સમય લાગે.’
જવાહિરીને મારવા માટે અમેરિકાએ પહેલા પણ ઘણી વાર પ્રયાસ કર્યો હતો. 2001માં, જવાહિરી અફઘાનિસ્તાનના તોરા બોરામાં છુપાયો હોવાની જાણ થઈ હતી. પણ હુમલો થાય તે પહેલા જ જવાહિરી ભાગી ગયો હતો. અને હુમલામાં તેની પત્ની અને બાળકોના મોત થયા હતા. ત્યારબાદ 2006માં તે પાકિસ્તાનના ડમડોલામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. પણ મિસાઈલ હુમલો થાય તે પહેલા જ જવાહિરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
અલ-જવાહિરી 1951માં ઈજીપ્તના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યો હતો. નાની ઉંમરથી જ અલ-જવાહિરી ઇજિપ્તના કટ્ટરપંથી ઇસ્લામિક સમુદાય સાથે સંકળાયેલો હતો. 15 વર્ષની વયે ગેરકાયદેસર મુસ્લિમ બ્રધરહુડમાં જોડાવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે 1974માં કાહિરાથી MBBS કર્યું અને 1978માં માસ્ટર ઓફ સર્જરી કરી હતી. 1981માં રાષ્ટ્રપતિ અનવર સાદતની હત્યા બાદ આતંકવાદ માટે ઇજિપ્તમાં ત્રણ વર્ષની જેલ થઈ હતી અને 1997માં લુક્સર શહેરમાં વિદેશી પ્રવાસીઓના નરસંહારમાં સંડોવાયેલો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાનમાં લાદેન સાથે જોડાયો અને અલ-કાયદાનો મુખ્ય વ્યૂહરચનાકાર બન્યો. લાદેન સાથે મળીને આતંકી ષડયંત્ર રચ્યા હતા. અમેરિકામાં થયેલા 9/11 હુમલાનો માસ્ટર માઇન્ડ હતો. લાદેનના મોત બાદ અલકાયદાનો ચીફ બન્યો, અમેરિકાએ 2.5 કરોડ ડોલરનું ઇનામ રાખ્યું હતું.
આ પણ વાંચો: 9/11ના હુમલાના વીસ વર્ષે થઇ બીજા બે મૃતકોની ઓળખ